(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
ઇંધણોના વધતા ભાવવધારા વિરૂદ્ધ કોંગ્રેસ કાર્યસમિતીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ઇંધણોની કિંમતો રેકોર્ડ ઉચ્ચસ્તરે પહોંચી છે. પાર્ટી હાલ સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરીને વિરોધ પ્રદર્શનની પદ્ધતિઓ વિશે કામ કરી રહી છે. પાર્ટીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું કે, સરકારે ઇંધણોની કિંમતોમાં સતત ૧૮મા દિવસે વધારો કર્યો છે જ્યારે વિશ્વમાં ઇંધણોની આંતરરાષ્ટ્રીય કિંમતો રેકોર્ડ નીચલી સપાટીએ છે. આ પહેલા વર્કીંક કમિટીની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું કે, સરકારે સતત ૧૭ દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં નિર્દયી રીતે વધારો કરીને લોકોને ડામ આપી પોતાનું અપમાન કર્યું છે અને દેશના લોકોની વેદનામાં વધારો કર્યો છે. મંગળવારે ઓઇલ કંપનીઓ પેટ્રોલની કિંમતમાં ૨૦ પૈસા અને ડીઝલની કિંમતમાં ૫૫ પૈસાનો વધારો કર્યો હતો. સોમવારે પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં ૫૮ પૈસાનો વધારો કર્યો હતો. જ્યારે બુધવારે પેટ્રોલના ભાવ યથાવત રાખ્યા હતા અને ડીઝલની કિંમતમાં ૪૮ પૈસાનો વધારો ઝીંક્યો હતો. હાલ કેન્દ્ર સરકાર પેટ્રોલ પર ૩૨.૯૮ રૂપિયા એક્સાઇઝ વસૂલે છે જ્યારે ડીઝલ પર ૩૧.૮૩ રૂપિયા એક્સાઇઝ લે છે. દિલ્હીમાં પેટ્રોલ પરનો વેટ ૧૭.૭૧ રૂપિયા જ્યારે ડીઝલ પર ૧૭.૬૦ રૂપિયા વેટ વસૂલાય છે.