અમદાવાદ,તા.૧૦
અમદાવાદના આંગણે સમગ્ર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની સત્તાવાર શરૂઆત થઈ રહી છે. મોટેરા સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધની આગામી ક્રિકેટશ્રેણીથી શુભારંભ થશે. ૭ ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ શરૂ થવાની છે. એ પૈકી ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ડે-નાઈટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતે પિન્ક બોલથી રમાશે, જ્યારે ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં જ રમાશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધની તમામ ૫ ટી-૨૦ અમદાવાદમાં જ રમાશે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશને આવનારા સમયમાં ખેલાડીઓ વધુ સારી રીતે રમી શકે એ માટે ૪૦ લાખના ખર્ચે ઇન્ડોર એકેડમી બનાવી છે. અહીં ૪ અલગ-અલગ પ્રકારની વિકેટ્‌સ છે, કોઈ વિકેટ ફાસ્ટ બોલરને મદદ કરે તો કોઈ સ્પિનરને એમ ખેલાડીઓની દરેક રીતે સ્કિલ સુધરે એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને ખાસ વાત એ છે કે હવે વરસાદ ખેલાડીઓની પ્રેક્ટિસમાં વિલનની ભૂમિકા નહીં ભજવી શકે.
એકેડમીની ઓપનિંગ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા કરવામાં આવી હતી. તેમણે નેટ્‌સમાં પ્રથમ બોલ નાખ્યો અને પાર્થિવ પટેલ પ્રથમ બોલ રમ્યો. એ પછી જય શાહે પણ પાર્થિવની બોલિંગમાં એક બોલ પ્લેસ કર્યો હતો. મોટેરા સ્ટેડિયમમાં પણ એક ઇન્ડોર એકેડમી બની રહી છે. ત્યાં ૬ અલગ અલગ વિકેટ્‌સ હશે, જેનું કામ અત્યારે પ્રોસેસમાં છે. ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ’નમસ્તે ટ્રમ્પ’ના ભવ્ય કાર્યક્રમ બાદ બરાબર એક વર્ષે અમદાવાદનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે સજ્જ થઈ ચૂક્યું છે.