(એજન્સી) તેલ અવીવ,તા.૧૯
ઇઝરાયેલના સુરક્ષા દળો પેલેસ્ટીનીયન વ્યક્તિના બેડરૂમને સીલ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ વ્યક્તિ ઉપર ઇઝરાયેલના એક સૈનિકની હત્યા કરવાના આક્ષેપો છે. કોર્ટે એમના ઘરને તોડી પાડવા ઇન્કાર કર્યો હતો એ પછી સરકાર એના બેડરૂમને સીલ કરવા વિચારે છે. સુરક્ષા દળો આરોપી નઝમી અબુ બકરના કુટુંબના ઘરને તોડવા માટે બીજી વખત પણ ઇઝરાયેલની હાઇકોર્ટમાંથી પરવાનગી મેળવવામાં નિષ્ફળ ગયા પછી એમણે આ વિચિત્ર યોજના બનાવી છે. હાઇકોર્ટે કહ્યું હતું કે અબુ બકરના કુટુંબના ઘરને તોડવું યોગ્ય નથી કારણ કે અબુ બકરની પત્ની અને આઠ બાળકો આ ગુનામાં સંડોવાયેલ નથી. આ આદેશ પછી સુરક્ષા દળોએ વિચાર્યું છે કે અમે અબુ બકરના બેડરૂમને કોન્ક્રીટથી સીલ કરી બાકીનું ઘર જે રીતે છે એ રીતે રહેવા દઈશું. ૪૯ વર્ષીય અબુ બકર ઉપર ઈઝરાયેલના સૈનિકની હત્યા કરવાનો આક્ષેપ છે. એમણે સૈનિકના માથા ઉપર ઈંટ ફટકારી હતી જેના લીધે એ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના ૧૨મી મેના રોજ બની હતી. સમાચારો મુજબ અબુ બકર પોતાના ઘરે ઉપરના માળે હાજર હતો. તે સમયે ઇઝરાયેલના સૈનિકોએ દરોડાઓ પડ્યા હતા. ઉપરથી અબુ બકરે જોયું કે સૈનિકો લોકોની ધરપકડો કરી રહ્યા હતા. જેથી આવેશમાં આવી એમણે ઉપરથી ઈંટ ફેંકી હતી જે સૈનિકના માથામાં વાગી હતી.
અબુ બકર પર આક્ષેપ હતો કે એમણે જાણીબુઝી હત્યા કરવાના ઈરાદા સાથે ઈંટ ફેંકી હતી. જેથી આ હત્યા છે પણ અબુ બકરે કહ્યું હતું કે એ ફક્ત સૈનિકને ઈજા પહોંચાડવા માંગતો હતો. આ ભૂલ એમણે સ્વીકારી હતી. પેલેસ્ટીનીઓે જો ઇઝરાયેલના સૈનિકોને નુકસાન કરે અથવા નુકસાન કરવાનો પ્રયાસ પણ કરે તો એમના ઘરોને તોડી પાડવામાં આવે છે. એમના આ કૃત્યની વિશ્વમાં ટીકા થાય છે પણ તેઓ કોઈનું માનતા નથી. જોકે ૨૦૦૫ના વર્ષથી આ પ્રથા બંધ કરાઈ હતી પણ ૨૦૧૪થી ફરીથી શરૂ કરાઈ છે. માનવ અધિકાર સંગઠનો ઇઝરાયેલના આ કૃત્યની સતત ટીકાઓ કરે છે. તેઓ જણાવે છે કે આ પ્રકારની સામૂહિક સજા યોગ્ય નથી. આ સજા કાયદા વિરોધી અને ન્યાયના શાસન વિરુદ્ધ છે. જેના લીધે ફક્ત નફરત અને દુશ્મની જ વધુ ફેલાય છે.