(એજન્સી) દુબઇ, તા. ૭
ઇઝરાયેલ સાથે સામાન્ય કરાર કર્યા બાદ યુએઇ પર હવે સાયબર હુમલાનું જોખમ તોળાઇ રહ્યું છે તેમ અખાતી અરબ દેશોના સાયબર સુરક્ષા પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું હતું. યુએઇએ અરબની દશકોથી ચાલી આવતી નીતિઓને નેવે મુકીને ઇઝરાયેલ સાથે કરાર કરવાની સંમતિ આપી હતી જ્યારે તેણે પેલેસ્ટીનીઓ સહિત અનેક ઇસ્લામી દેશોની ટીકાઓનો ભોગ બનવું પડ્યું હતું. ત્યારબાદ બેહરીન અને સુદાને પણ ઇઝરાયેલ સાથે સંધિ કરી હતી પરંતુ સુદાને હજુ સુધીસામાન્ય કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. દુબઇમાં મંચ પર આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોહમ્મદ હમાદ અલ-કુવૈતીએ જણાવ્યું હતું કે, ઇઝરાયેલ સાથે અમારા સંબંધો સામાન્ય કરવાના પ્રયાસો કેટલાક લોકો દ્વારા યુએઇ પર કરાનારા સંભવિત હુમલાને રોકવા માટે છે. કુવૈતે આ દરમિયાન કહ્યું કે, નાણાકીય ક્ષેત્રોને નિશાન બનાવાયા પરંતુ હુમલા નિષ્ફળ બનાવાયા છે. જોકે, કયા હુમલા નિષ્ફળ બનાવાયા અને કોણ તેની પાછળ હતું તેની વિગતો આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે, જ્યારથી કોરોના વાયરસ મહામારી શરૂ થઇ ત્યારથી યુએઇ પર સાયબર હુમલા વધી ગયા છે. પરંપરાગત રીતે મોટાભાગના હુમલા ઇરાન તરફથી કરવામાં આવી રહ્યા છે જોકે, હજુ સુધી આ હુમલા પાછળ કોણ છે તેની જાણકારી અપાઇ નથી.