(એજન્સી) નવી દિલ્હી, તા.૭
કટોકટીનો સામનો કરી રહેલી ચર્ચાસ્પદ યસ બેંકના સ્થાપક રામા કપુરના આવાસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવ્યા બાદ ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. બીજી બાજુ આજે નિવેદન નોંધાવવા માટે રાણા કપૂર ઇડીની ઓફિસમાં પહોંચ્યા હતા. શુક્રવારે સાંજે તેમની ઓફિસ પર અને આવાસ ઉપર દરોડા પાડવામાં આવ્યા બાદ તેમની પુછપરછ ચાલી રહી છે. શનિવારે કલાકો સુધી તેમની પુછપરછ ચાલી હતી. ઇડીની કાર્યવાહી વહેલી સવાર સુધી ચાલી હતી. મોડી સાંજે તેમનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. એસબીઆઈ યસ બેંકની ૪૯ ટકા શેર અથવા તો હિસ્સેદારીને ખરીદવા માટે તૈયારીમાં છે. સુત્રોના અનુસાર ઇડીએ રાણા કપુરના આવાસ પર દરોડા પાડ્યા બાદ યસ બેંક સાથે સંબંધિત દસ્તાવેજોમાં ચકાસણી કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રાણા કપુરની સામે લુકઆઉટ નોટીસ જારી કરવામાં આવી છે. એટલે કે રાણા કપુરની તપાસ પૂર્ણ થયા બાદ સુધી દેશની બહાર જઇ શકશે નહીં. રાણા કપુરની સામે આરોપ છે કે રાણા કપુરે આડેધડ તમામને લોન આપી હતી. આરોપ એવા પણ છે કે રાણા કપુરે લોન આપવા અને તેમની પાસેથી વસુલી માટે નિયમો પોતાની રીતે બનાવ્યા હતા. અંગત સંબંધોના આધાર પર લોન આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭માં બેંકે ૬૩૫૫ કરોડ રૂપિયાની રકમને બેડ લોનમાં મુકી દીધી હતી. યસ બેંક ઘોંચમાં જવાને કારણે શેરબજાર ૧૪૫૦ પોઇન્ટ સુધી ઘટી ગયા બાદ કારોબારના અંતે તેમાં આંશિક સુધારો થયો હતો છતાં સેંસેક્સ ૮૯૪ પોઇન્ટ ઘટીને ૩૭૫૭૭ની નીચી સપાટીએ રહ્યો હતો.