(એજન્સી)                                                         તા.૧૩

કેન્દ્રની મોદી સરકાર પોતાના વિરોધીઓ અને હરીફોની સાન ઠેકાણે લાવવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો ઉપયોગ કરી રહી છે એના આરોપો વચ્ચે ભાજપના સાંસદની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિએ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને તાકીદ કરી હતી કે તેણે એવી રીતે કામ કરવાનું રહેશે જેથી કોઇ આરોપ મૂકી શકે નહીં કે તે કોઇ રાજકીય દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ સાંસદ ભુપિન્દર સિંઘ યાદવની અધ્યક્ષતાવાળી સંસદની સ્ટેન્ડિંગ કમિટિએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી)ને ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગની સામે પણ એમ કહેતાં તવણી ઉચ્ચારી હતી કે ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગના કારણે ડિજિટલ માર્ગે લાંચ માંગવી અને ડેટાનો ઉપયોગ કરીને બ્લેકમેલ કરવા જેવા ભ્રષ્ટાચારના નવા દુષણોનો જન્મ થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા કરદાતાઓને કરવેરા ભરવામાં થતા માનસિક ત્રાસને દુર કરવા ઓછામા ઓછી માનવીય હસ્તક્ષેપની ઝૂંબેશને વેગ અપાઇ રહ્યો છે. સત્તાધારી પક્ષના વિરોધીઓ સાથે સંકળાયેલા લોકો ઉપર કેન્દ્ર સરકાર ઇન્કમટેક્સના દરોડા પડાવે છે એવા આરોપને કબુલતા કર્મચારી, જાહેર ફરિયાદ, કાયદો અને ન્યાય બાબતની સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે રાજકીય દબાણ હેઠળ ઝૂકી જતી અમલદારશાહીના કારણે લોકશાહીના મૂળભૂત મૂલ્યો માર્યા જાય છે. વિરોધપક્ષો તરફથી અવારનવાર એવા આરોપ મૂકવામાં આવ્યા છે, અને સાંભળવા પણ મળ્યું છે કે વિશેષ કરીને ચૂંટણીના સમય દરમ્યાન સત્તાધારી પક્ષ પોતાના રાજકીય હરિફોને નિશાન બનાવવા અને તેઓ સામે બદલો લેવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટનો એક હથિયાર તરીકે ઉપયોગ કરે છે એમ રિપોર્ટમાં નોંધ મૂકવામાં આવી હતી. અલબત્ત આ રિપોર્ટમાં કોઇ ચોક્કસ ઘટના કે બનાવનો લ્લેખ કરાયો નહોતો પરંતુ કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડી. કે. શિવકુમાર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના નજીકના સગાંઓ ઉપર ઇન્કમટેક્ષ વિભાગે પાડેલા દરોડાના કારણે વિરોધપક્ષોએ ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી. આ સમિતિની ગત ૧૦ જાન્યુઆરીના રોજ મળેલી બેઠકમાં એક સાંસદે ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા પાડવામાં આવતા દરોડાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઇસ્યુ કરાતી નોટિસ કે હાથ ધરાતા સર્ચ પરેશન પાછળ રાજકીય દબાણ રહેલું હોય છે. અન્ય એક સાંસદે પણ તે બેઠકમાં કહ્યું હતું કે, ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓ ફક્ત રાજકીય નેતાઓના પ્યાદા તરીકે કામ કરે છે.