(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૧૯
પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઇમરાનખાને પોતાના આદ્યાત્મિક સલાહકાર અને પાંચ બાળકોના માતા બુશરા મનેકા સાથે પોતાના ત્રીજા લગ્ન કર્યા છે તેમ પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાનમાં પ્રવક્તા ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાખાને બુશરા બીબી (પિન્કી પીર નામે જાણીતા) સાથે લાહોર ખાતે સાદગીથી નિકાહ કર્યા હતા. લાહોરમાં બુશરા મનેકાના ભાઇના ઘરે આ નિકાહ થયા હતા. ઇમરાનખાનના લગ્નના અહેવાલો જાન્યુઆરી મહિનાથી ફરતા થયા હતા. ગયા મહિને તેમણે ટિ્‌વટ કરી પોતાની પાર્ટીને ટિ્‌વટ કરી ખુશીના સમાચાર આપ્યા હતા જેમાં લખ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી જે ખુશી શોધી રહ્યો હતો તે મળી ગઇ છે જોકે, ટિ્‌વટમાં તેમણે નામ અંગેનો ઉલ્લેખ કર્યો નહોતો પરંતુ કહ્યું હતું કે, તેમના આદ્યાત્મિક સલાહકાર સાથે લગ્ન કર્યા છે તેમ જણાવ્યંુ હતું.
ઇમરાનખાને આ પહેલા પણ પાંચ બાળકોના માતા અને તેમના આદ્યાત્મિક સલાહકારને યાદ કરી કહ્યંુ હતું કે, તેઓની સલાહને તેઓ માને છે. પોતાની યુવા અવસ્થામાં પ્લેબોયની છાપ ધરાવનારા ઇમરાખાન હાલ ઉત્તરી પાકિસ્તાનના ભાગોમાં રાજકીય વગ ધરાવે છે. ખાસ કરીને તેઓ પશ્તુન લોકો વચ્ચે મોટી છાપ ધરાવે છે. એક વર્ષ પહેલા તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ઉથલાવવા માટે પાકિસ્તાનમાં મોટું અભિયાન ચલાવ્યું હતું. ઇમરાનખાને ૧૯૯૫માં જેમિમા ગોલ્ડસ્મિથ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા અને આ લગ્નનો અંત ૨૦૦૪માં છૂટાછેડા સાથે આવ્યો હતો. તેમણે બીજા લગ્ન પાકિસ્તાની ટીવી એન્કર રેહમ ખાન સાથે કર્યા જે માંડ ૧૦ મહિના જ ટકી શક્યા હતા. રેહમ ખાન સાથે તેમના લગ્ન ૨૦૧૪માં થયા હતા. ૪૦ વર્ષના બુશરા માનેકાના લગ્ન ઇસ્લામાબાદમાં વરિષ્ઠ કસ્ટમ અધિકારી ખાવર ફરીદ માનેકા સાથે થયા હતા.