સિડની,તા.૨૮
હાર્દિક પંડ્યા એશિયાનાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણાય છે. ઘણી વાર તેની તુલના આ સમયગાળાનાં સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની સાથે કરવામાં આવે છે, પરંતુ ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન બોલરને લાગે છે કે હાર્દિક કરતા વધુ સારા ઓલરાઉન્ડર પાકિસ્તાનમાં હાજર છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેડ હોગને લાગે છે કે પાકિસ્તાનના ક્રિકેટર ઇમાદ વસીમ ભારતનાં સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા કરતા વધુ સારો ઓલરાઉન્ડર છે.
જ્યારે એક ચાહકે તેને વસીમ અને પંડ્યા વચ્ચે વધુ સારા ઓલરાઉન્ડરની પસંદગી કરવાનું કહ્યું ત્યારે હોગે સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. ૩૧ વર્ષીય વસિમે અત્યાર સુધીમાં ૫૩ વનડે અને ૪૩ ટી-૨૦ મેચ રમી છે અને પાકિસ્તાન તરફથી તેની ટેસ્ટ ડેબ્યૂ હજુ બાકી છે. તેણે બે ફોર્મેટમાં અનુક્રમે ૯૫૨ અને ૨૫૭ રન બનાવ્યા છે જ્યારે તેણે બંને ફોર્મેટમાં ૪૨ વિકેટ લીધી છે.
જોકે, હોગે કહ્યું કે વસીમ તેમના મતે વધુ સારો ઓલરાઉન્ડર છે, તેમણે ઉમેર્યું કે, પંડ્યા લાંબી ઈજા બાદ તેની યોગ્યતા સાબિત કરવા માટે ઉત્સુક રહેશે અને ’પહેલા કરતા વધારે સારું’ કરશે.