વિદેશ રાજ્યમંત્રી જનરલ વી. કે. સિંહે મંગળવારે જણાવ્યું હતું કે, ઇરાકમાં માર્યા ગયેલા ૩૯ ભારતીયોના મૃતદેહોને પરત લાવવામાં ૧૦ જેટલા દિવસો લાગી શકે છે કારણ કે, આમાં કાયદાકીય પ્રક્રીયા સામેલ છે. સિંહે પત્રકારોને જણાવ્યું કે, આ એક કાયદાકીય પ્રક્રીયા છે. અમે ઇરાકમાંથી માહિતી મળવાની રાહ જોઇ રહ્યા છીએ. મૃતદેહો લાવવામાં ૮-૧૦ દિવસનો સમય લાગી શકે છે. વર્ષ ૨૦૧૪માં અપહરણ કરાયેલા ભારતીયોની માહિતી મેળવવા માટેસિંહ કેટલીકવાર ઇરાક ગયા હતા તેઓ વિપક્ષ દ્વારા સુષમા સ્વરાજ પર પ્રહારો કરતા બચાવમાં પણ આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતીયોને કોઇ પુરાવા વિના મૃત જાહેર ન કરી શકાય અને તેઓએ પોતાના શબ્દો જાળવી રાખ્યા હતા. વિપક્ષ તેને જુદી રીતે વિચારી શકે છે. સિંહે કહ્યુ કે, સરકારે ભારતીયો અંગેની વિગતો ચકાસવા માટે તમામ પુરતા પ્રયાસો કર્યા હતા. સુષમાજીએ કહ્યું હતું કે, જે દિવસે સરકારને તેમની જીવિત હોવા કે મૃત્યુ પામવાના પુરાવા મળશે ત્યારે સંસદને જણાવશે. અમે એવું વિચારીને તમામ દરવાજા ખખડાવ્યા કે કદાચ તેઓ નાસી છૂટ્યા હોય. કદાચ તેઓ કોઇ અન્ય જગ્યાએ જતા રહ્યો હોય. યુુદ્ધ જેવી શક્યતાને જોઇ તેમના જીવતા રહેવાની શક્યતા ઓછી હતી. તેમના મૃતદેહો ઉત્તરપૂર્વ મોસૂલના બદોશમાંથી મળી આવ્યા હતા અને તેમની ઓળખ ડીએનએથી થઇ હતી.