(એજન્સી) બગદાદ,તા.૭
ઈરાક સરકારે મંગળવારે પ્રથમ વખત પ્રસ્તાવ મુક્યો હતો કે ૨૦૦૩માં અમેરિકાના હુમલા પછી ઈરાકના રાષ્ટ્રીય દિવસની પુનઃ સ્થાપના કરવી જોઈએ.
વર્ષોના વિવાદોનો અંત લાવતા દેશ હવે ૩જી ઓકટોબરના દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવશે. આ જ તારીખે ઈરાકે ૧૯૩૨માં બ્રિટન પાસેથી સ્વતંત્રતા મેળવી હતી અને લીગ ઓફ નેશન્સનો ૫૭મો સભ્ય બન્યો હતો.
વડાપ્રધાન મુસ્તફા અલ-કધીમીના કાર્યાલયે જણાવ્યું છે કે કેબિનેટે પ્રતિ વર્ષે ૩જી ઓક્ટોબરના દિવસને ઈરાકના રાષ્ટ્રીય દિવસ તરીકે અને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવણી કરવા નિર્ણય કર્યો છે. આ જ તારીખે ઈરાકમાં બ્રિટનના શાસનનો અંત આવ્યો હતો.
ઈરાક ઉપર અમેરિકાના આક્રમણ પહેલા દેશમાં ૧૭ જુલાઈ ૧૯૬૮નો દિવસ રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાતો હતો. આ સમય દરમિયાન રક્તવિહીન બળવા પછી બાથ પાર્ટી સત્તામાં આવી હતી. જોકે પછીથી ૯મી એપ્રિલને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મુકાયો હતો. જે દિવસે સદ્દામ હુસેનના શાસનનો અંત આવ્યો હતો. આ નિર્ણય સામે વાંધાઓ આવતા દેશમાં રાષ્ટ્રીય દિવસ બાબત મતભેદો ઊભા થયા હતા અને છેવટે ૨૦૦૮ના વર્ષમાં ૩જી ઓક્ટોબરની પસંદગી કરાઈ હતી. જે દિવસે દેશ બ્રિટનના શાસનમાંથી મુક્ત થયો હતો પણ સંસદમાં આ પ્રસ્તાવ પસાર થઇ શક્યો ન હતો.
Recent Comments