(એજન્સી) તેહરાન, તા. ૨૭
ઇરાનના સુન્ની ધર્મગુરૂઓએ ઇસ્લામી જગતના ધર્મગુરૂઓ અને વિદ્વાનોના નામે એક સંદેશ જારી કરીને અમિરાતની સરકાર અને યહૂદી શાસન વચ્ચે નિંદનીય સમજૂતીની આકરી ટિકા કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, ઔપચારિક અથવા રણનીતિક સંબંધોની સ્થાપના માટે અમિરાત અને યહૂદી શાસન વચ્ચે થયેલી શરમજનક સમજૂતીએ સમગ્ર વિશ્વના મુસ્લિમોને આઘાત પહોંચાડ્યો છે અને દુનિયાભરના સ્વતંત્ર લોકોના મનમાં સંયુક્ત અરબ અમિરાતનું નામ સંયુક્ત ઇબ્રી અમિરાતમાં બદલી નાખ્યું છે. નિવેદનમાં કહેવાયું છે કે, ઇસ્લામી જગતના કેટલાક શાસકોના વિશ્વાસઘાત, શરમજનક સમજૂતી અને અમેરિકા, ઇઝરાયેલ તથા આરબ દેશોનું ષડયંત્ર છે ઉપરાંત ઇસ્લામની પ્રતિષ્ઠા અને માનવતાના શરીર પર ઘાત છે. પરંતુ પેલેસ્ટીન અને બૈતુલ મુકદ્દસની સુરક્ષા ઇસ્લામી જગતનું એક સંયુક્ત લક્ષ્યાંક છે અને આ પ્રકારની નિંદાત્મક કરતૂતોથી ઇસ્લામી જગતના સંકલ્પમાં કણ બરોબર પણ ફેર પડશે નહીં. ઇરાનના સુન્ની ધર્મગુરૂઓએ પોતાના સંદેશમાં આશા વ્યક્ત કરી હતી કે, ઇસ્લામી જગત પેલેસ્ટીન તથા પેલેસ્ટીનની જનતાના અધિકારોના સમર્થનમાં ઊભું થશે અને એક ચોક્કસ રણનીતિ અપનાવીને એ વાતની પરવાનગી નહીં આપે કે કેટલીક રૂઢિવાદી સરકારોની ગદ્દારી ૮૦ વર્ષ ઉપરાંતથી ઇસ્લામની રાહમાં જેહાદ કરનારા શહીદોના લોહીને બરબાદ કરી દે.