માન્ચેસ્ટર, તા.૨
મંગળવારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી૨૦ મેચમાં પાકિસ્તાને ઈંગ્લેન્ડને પાંચ રને પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહેમાન ટીમે અનુભવી બેટ્‌સમેન મોહમ્મદ હાફીઝ (૮૬) અને યુવા ખેલાડી હેદર અલી (૫૪)ની શાનદાર ઈનિંગની મદદથી ૨૦ ઓવરમાં ૪ વિકેટ પર ૧૯૦ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ ૮ વિકેટ ગુમાવીને માત્ર ૧૮૫ રન બનાવી શકી હતી. આ મેચ અને સિરીઝમાં શાનદાર બેટિંગ કરનાર હાફીઝને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મેચની છેલ્લી ૨ ઓવરમાં ઈંગ્લેન્ડની ટીમને ૨૦ રનની જરૂર હતી પરંતુ અહીં ૧૯મી ઓવર ફેંકવા આવેલા વહાબ રિયાઝે મેચનું પરિણામ બદલી નાખ્યું હતું. આ ઓવરમાં તેણે ક્રિસ જોર્ડન અને મોઇન અલીને આઉટ કરીને મેચ પાકિસ્તાનના પક્ષમાં કરી દીધી હતી. ૧૭૪ના કુલ સ્કોર પર વહાબે પોતાના બોલ પર કેચ ઝડપીને ઈંગ્લેન્ડની આશા પર પાણી ફેરવી દીધું હતું. રિયાઝે તે ઓવરમાં ૧ વાઇડ સહિત કુલ ત્રણ રન આપ્યા હતા. અંતમાં ઈંગ્લેન્ડ પાંચ રનથી મેચ હારી ગયું અને પાકિસ્તાને સિરીઝ ૧-૧થી બરોબર કરી લીધી હતી. શાહીન આફ્રિદી અને વહાબે બે-બે વિકેટ ઝડપી હતી.