(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧૧
બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ માં ૩૮ વર્ષ પહેલા એક કોન્સ્ટેબલની હત્યા કરી બેન્ક માંથી સનસનીખેજ લૂંટ કરનાર ખૂંખાર ડાકુ ને પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડયો છે. અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનારા ખૂંખાર ડાકુ ને ૩૮ વર્ષ બાદ ઝડપી પોલીસ પાલનપુર લાવવા માટે તજવીજ હાથ ધરી છે. ઇકબાલગઢમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ની શાખા ને ૩૮ વર્ષ પહેલા રાજસ્થાનની ડાકુ ટોળકીએ ટાર્ગેટ બનાવી હતી. જેમાં સતીસદાનસિંહ રાઠોડ નામના ડાકુએ તેના સાગરિતો સાથે મળી આ બેંકમાં લૂંટ ચલાવી હતી. ૧૯૮૨ માં આ બેન્કની અંદર આવેલા બંદૂકધારી ડાકુઓએ બેંકના મેનેજર ને બંદૂક મારી ઈજા પહોંચાડી લૂંટ ચલાવી હતી. જોકે તે સમયે પોલીસ આવી જતાં શિવદત્ત શર્મા નામના બાહોશ પોલીસે આ ખૂંખાર ડાકુ ને રોકવાનો પ્રયાસ કરતા તેને પણ ગોળીથી વીંધી નાખી ૧.૩૨ લાખ રૂપિયાની લૂંટ કરી ત્યાંથી ફરાર થઈ ગયા હતા જોકે ત્યાર બાદ આજ સુધી આ ડાકુ નો કોઈ જ પત્તો મળ્યો ન હતો. ૩૮ વર્ષ પહેલા ઈકબાલગઢ ગામમાં જ્યારે લૂંટનો આ બનાવ બન્યો ત્યાર સમગ્ર પંથક જ નહીં રાજ્યભરમાં આ પ્રકારનો આ પ્રથમ બનાવ હોઈ વ્યપક ચર્ચા થઈ હતી. ડાકુઓ ગામમાં નદી કિનારાના માર્ગેથી છૂપાવેશે પ્રવેશ્યા હતા અને બેંક તરફ ધસી ગયા હતા. ડાકુઓની વાત ગામમાં પ્રસરતા ભયને લઈ દુકાનો-બજાર તરત બંધ થઈ ગયા હતા. જેનો લાભ લઈ લૂંટ બાદ ડાકુઓ સરળતાથી એ જ નદી તરફ રવાના થઈ નાસી છૂટ્યા હતા. આમ સમગ્ર પંથક માટે પ્રથમ બનાવના આરોપીને પકડી પાડવામાં પોલીસ ઘણા વર્ષો સુધી રાહ જોવી પડી હતી. જો કે, ગઈકાલે બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી ને જાણ થતાં જ તેઓએ તપાસ હાથ ધરી હતી અને બાડમેર ના ગડરા ગામે થી આ ખૂંખાર ડાકુ ને ઝડપી પાડયો છે. ૩૮ વર્ષ પહેલા લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લા પોલીસે ઝડપી પડતા મોટી સફળતા મળી છે. અને તેને બનાસકાંઠા લાવવા માટેની પોલીસે તજવીજ હાથ ધરી છે.