(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સુપ્રીમ કોર્ટે થોડા જ દિવસો પહેલા નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને પરવાનગી આપી હતી. એના પછી જુદી જુદી વ્યક્તિઓ અને સંસ્થાઓના જુદા-જુદા પ્રતિસાદો રહ્યા છે. આ મુદ્દે કેથોલિક બિશોપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે આ ચુકાદાથી સંવેદનશીલ વ્યક્તિઓના જીવ જોખમમાં મુકાઈ જશે. કોઈપણ વ્યક્તિને એ અધિકાર નથી કે એ અન્ય વ્યક્તિને મારી નાખવાની પરવાનગી આપે અથવા જેની સારવાર સાથે પોતે સંકળાયેલ છે એની મૃત્યુ નિપજાવવાનું નિર્ણય લે.
જો કે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતી વેળાએ દિશા નિર્દેશો જારી કર્યા છે જેથી એમના ચુકાદાનો ખોટો અર્થઘટન કરી દુરૂપયોગ નહીં કરવામાં આવે.
ચર્ચના નિવેદનમાં કહ્યું છે કે ભારતમાં જીવનની પવિત્રતા જાળવવા માટે બંધારણમાં પણ જોગવાઈ કરાઈ છે. બંધારણના અનુચ્છેદ ર૧ હેઠળ સન્માનનીય જીવન જીવવાના અધિકારને મૂળભૂત અધિકાર તરીકે જાહેર કરાયું છે પણ એ અનુચ્છેદમાં મૃત્યુ મેળવવાના અધિકારનો સમાવેશ થતું નથી. કોઈપણ નિર્દોષ વ્યક્તિઓનું જીવ લેવું એ નૈતિક કૃત્ય નથી. કાયદાકીય મંજુરી આપવાથી સંવેદનશીલ વ્યક્તિઓ માટે જોખમ ઊભું થશે. એ સાથે જે લોકો એમની સેવામાં રોકાયેલ છે એ પણ ઈચ્છશે કે એમના સગાનું મૃત્યુ તરત થાય. સ્વસ્થ સમાજમાં લોકોને સારી સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવી જોઈએ. જે લોકો દર્દીઓની સંભાળ લેતા હોય એમને પ્રોત્સાહન આપવું જોઈએ. જીવન પર્યત એમની સારી સારવાર થાય એ પ્રયાસો કરવા જોઈએ. સભ્ય સમાજમાં જે સંવેદનશીલ લોકો છે એમની સંભાળ લેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે ૯મી માર્ચે ઐતિહાસિક ચુકાદો આપી ઈચ્છા મૃત્યુને કાયદેસર કરતો ચુકાદો આપ્યો હતો.