(એજન્સી) તા.૧૮
સંયુક્ત અરબ અમીરાત(યુએઈ)એ ત્યારે સૌને ચોંકાવી દીધા જ્યારે તેણે વસાહતવાદી અને કબજો કરનારા ઈઝરાયલ સાથે સંબંધો ગાઢ કર્યા અને તેની સાથે કરાર કર્યા. એક બ્રિટિશ નિષ્ણાંતે આ મામલે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે યુએઈના આ કરારને લીધે એ લોકો સ્તબ્ધ થઈ ચૂક્યા છે જેઓ પેલેસ્ટીનીઓના સંઘર્ષને મજબૂત રીતે સમર્થન આપતા હતા. બ્રિટનમાં મુસ્લિમ તથા પશ્ચિમી દેશો વચ્ચે સંતુલન જાળવવાનું કામ કરતાં કોરડોબા ફાઉન્ડેશનના સીઇઓ અને સંસ્થાપક અનસ અલ્તિક્રિતીએ કહ્યું હતું કે જે આજ સુધી નકારવામાં આવી રહ્યું હતું તે અમેરિકા દ્વારા સ્પોન્સર કરાયેલા કરારને લીધે સૌની સામે આવી ગયું. બધું ગુપ્ત હતું જે હવે ગુપ્ત રહ્યું નથી. પોતાના એક લેખિત નિવેદનમાં અલ્તિક્રિતીએ કહ્યું કે યુએઈ તથા ઈઝરાયલ વચ્ચે તમામ સામાન્ય સંબંધોના સમાચાર સામે આવવા એ કોઈ બધા જ લોકો માટે અચરજ પમાડે તેવા નહોતા. કેમ કે એવા અનેક લોકો છે જેમના માટે આ સમાચાર ફક્ત ને ફક્ત એક સમાચાર જ બની રહ્યા હતા કેમ કે તેઓ છેલ્લાં અનેક વર્ષોથી ગલ્ફ દેશોની સત્તાવાર નીતિઓનું આકલન કરી રહ્યાં છે. જોકે લોકો માટે ચોંકાવનારા સમાચાર ફક્ત એ જ છે કે યુએઈએ હવે પેલેસ્ટીનીઓના સંઘર્ષનો ત્યાગ કરી દીધો છે અને જાણે તેનાથી કિનારો કરી લીધો છે. આ સંપૂર્ણપણે પેલેસ્ટીનીઓના સંઘર્ષની અવગણના કહી શકાય. પેલેસ્ટીની નાગરિકો દાયકાઓથી ઈઝરાયલી કબજો કરનારી સરકાર વિરૂદ્ધ પોતાના હકો માટે લડી રહ્યાં છે.