(એજન્સી) તેલ અવિવ, તા.૧૧
ઈઝરાયેલની અરબ કોમમાં થઈ રહેલ સંગઠિત ગુનાઓ સામે ઈઝરાયેલની બેદરકારી સામે આવી રહી છે. ગુરૂવારે અજાણ્યા હુમલાખોરોએ મધ્ય ઈઝરાયેલના ઉમ્મ અલ-ફહ્મ શહેરના પૂર્વ મેયર સુલેઈમન અઘ્બરિયાને ગોળીઓ મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. અઘ્બરિયા ફક્ત પૂર્વ મેયર જ નહીં હતા પણ એ સાથે તેઓ જાણીતા રાજકારણી અને ઈઝરાયેલ ઈસ્લામિક ચળવળના નેતા પણ હતા. જે સંગઠન ઉપર ૨૦૧૫માં પ્રતિબંધ મૂકાયો હતો. ગોળીબારના વિરોધમાં હજારો લોકો ઈઝરાયેલી પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા હતા અને પ્રદર્શનો કર્યા હતા અને ગુનાઓને નાબૂદ કરવા પગલાં લેવા માગણી કરી હતી. એમના હાથમાં બેનરો હતા જેમાં લખેલ હતું કે, હિંસા અને ગુનાઓ માટે પોલીસ જવાબદાર છે. પોલીસ કોઈ પણ રીતે મદદ કરતી નથી એ માટે પોલીસ સ્ટેશન બંધ કરવા જોઈએ. ગોળીબાર થયેલ વિસ્તારની નજીક રહેતા એક નિવાસીએ કહ્યું હતું કે, અહીં કોઈ પણ સલામત નથી. અરબ સમાજ પાસે ઢગલાબંધ હથિયારો આવી ગયા છે જેથી હિંસા અને હત્યાઓ અટકવાના નથી. અમે ગૃહયુદ્ધમાં ફસાયા છીએ. ઉમ્મ અલ-ફહ્મ શહેરના મેયરે કહ્યું કે, લોકો પોતાને સલામત સમજતા નથી. અમે પોલીસ પાસેથી બે વાતોની આશા રાખીએ છીએ, ગુનાઓ અટકાવો, ગુનેગારોને પકડો પણ પોલીસ એમને પકડવા સક્ષમ નથી અથવા પકડવા ઈચ્છતી નથી. સરકાર જાણી બૂજીને બેદરકારી કરે છે જેથી અમારા સમાજને ખતમ કરી શકાય.