(એજન્સી) તા.૮
અરબ સ્ટડીઝ એસોસિએશનના લેન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવેલ એક અહેવાલમાં ખુલાસો થયો છે કે ૧૯૪૮માં જ્યારે પેલેસ્ટીનની જમીન પર ઈઝરાયેલની સ્થાપના થઈ ત્યારથી તેણે પેલેસ્ટીનીઓના ૧,૬૬,૦૦૦ ઘરો તોડી પાડ્યા છે. આ અહેવાલમાં આ પણ કહેવામાં આવ્યું હતું કે ઈઝરાયેલના ગેરકાયદેસર કબજાના કારણે દસ લાખથી વધુ પેલેસ્ટીનીઓ વિસ્થાપિત બન્યા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, વર્ષ ર૦ર૦ના પ્રથમ નવ મહિનામાં ઈઝરાયેલી દળોએ પેલેસ્ટીનીઓના ૪પ૦ જેટલા મકાનો તોડી પાડ્યા હતા ! આ અહેવાલ મુજબ ઈઝરાયેલે પેલેસ્ટીનીઓ દ્વારા કરવામાં આવતાં બાંધકામને મર્યાદિત કરવાની નીતિ અમલમાં મૂકી છે. નોંધનીય છે કે, ૧૯૬૭ના સિકસ ડે વોર પછી ઈઝરાયેલે પૂર્વ જેરૂસલેમને પણ પચાવી પાડયું હતું. ત્યારબાદથી તે પેલેસ્ટીનીઓએ પરવાનગી વગર મકાનોનું બાંધકામ કર્યું હોવાનું બહાનું આગળ ધરી તેમના મકાનોને તોડી રહ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ઈઝરાયેલે ભાગ્યે જ પેલેસ્ટીનીઓને મકાન બનાવવાની પરવાનગીઓ આપી છે. બીજી તરફ અહીંના યહૂદીઓને સેંકડો ગેરકાયદેસર વસાહતો ઊભી કરવાની પરવાનગી આપી દેવામાં આવી હતી.