(એજન્સી) તા.ર૫
ઈઝરાયેલે બ્રિટનમાં ઉભરી આવેલા કોરોના વાયરસના અત્યંત ચેપી વેરિએન્ટના ચાર કેસો નોંધ્યા હતા. એમ ઈઝરાયેલી આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું. આ કેસોમાંથી ત્રણ ઈંગ્લેન્ડથી પરત ફર્યા હતા અને કોરોના વાયરસ કવોરન્ટાઈન સુવિધા તરીકે નિયુકત એક હોટલમાં અલગ રાખવામાં આવ્યા હતા. ચોથો કેસ તપાસ હેઠળ છે. બ્રિટનમાં મહામારી સાર્સ-કોવિ-ર કોરોના વાયરસનો નવો પ્રકાર ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તેના યુરોપિયન પાડોશીઓમાં ઉચ્ચસ્તરની ચિંતા શરૂ થઈ છે. જેમાંથી કેટલાકોએ તો પરિવહન જોડાણો કાપી નાખ્યા છે. વિદ્યાર્થીઓ અને પત્રકારોના અપવાદ સાથે ઈઝરાયેલે માર્ચમાં વિદેશીઓ માટે તેની સરહદો બંધ કરી દીધી હતી. બુધવાર સાંજથી ૧લી જાન્યુઆરી સુધી તમામ ઈઝરાયેલીઓ જે વિદેશમાંથી પરત આવશે, તેઓને હોટલ સંસર્ગ નિષેધ (કવોરન્ટાઈન) સુવિધામાં અલગથી રાખવામાં આવશે. ઈઝરાયેલે શનિવારે કોરોના વાયરસ રસીકરણ અભિયાન શરૂ કર્યું હતું અને તેની ૯૦ લાખની વસ્તીમાંથી ૭૦,૦૦૦ ઈઝરાયેલીઓને રસી આપી દેવાઈ છે. દવા બનાવનારી કંપનીઓ જેવી કે ફાઈઝર, મોડર્ના, એસ્ટ્રાઝેનેકા પાસેથી રસી સુરક્ષિત રાખી લીધા પછી, ઈઝરાયેલને અપેક્ષા છે કે વર્ષના અંત સુધીમાં તેની ર૦ ટકા વસ્તી, જેને કોવિડ-૧૯ જટિલતાઓનું સૌથી વધુ જોખમ છે, તેના માટે પર્યાપ્ત ડોઝ મળી રહેશે. ઈઝરાયેલે સંક્રમણના ૩,૮૩,૩૮પ કેસો અને ૩,૧૩૬ મૃત્યુ નોંધ્યા છે અને બે રાષ્ટ્રીય લોકડાઉન લાગુ કર્યા છે.