(એજન્સી) તા.૪
ઈઝરાયેલના હજારો લોકોએ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સામે શનિવારે વિરોધ પ્રદર્શન કરીને તેમના રાજીનામાની માંગ કરી હતી. દેખાવ કરનારાઓએ આક્ષેપ કયો છે કે નેતાન્યાહુ કારોના વાયરસ મહામારીનો યોગ્ય રીતે મુકાબલો કરવામાં નિષ્ફળ રહ્યા છે. વિરોધીઓએ તેમના હાથોમાં પાછા જાવ અને કાયદા સમક્ષ બધા સમાન લખેલા પોસ્ટરો રાખ્યા હતા. આ દેખાવો નેતાન્યાહુની સત્તાવાર કચેરીની નજીક જેરૂસલેમ ક્રોસરોડસ પર થયા હતા. ત્યાં ઘણા મહિનાઓથી પ્રદર્શનકારીઓ નેતાન્યાહુના રાજીનામાની માંગ કરી રહ્યા છે. નેતાન્યાહુ સામે છેતરપિંડી, વિશ્વાસ ભંગ અને ત્રણ કિસ્સાઓમાં લાંચ લેવાના આરોપો છે. આ બધા કેસોનો સંબંધ તેમના અબજપતિ સહયોગીઓ ભાગીદારો અને મીડિયા ક્ષેત્રના સુપ્રસિદ્ધ લોકો સાથે છે. જો કે નેતાન્યાહુએ આ બધા આરોપોને નકારી કાઢયા છે. ઈઝરાયેલમાં છેલ્લા બે વર્ષમાં માર્ચમાં ચોથી ચૂંટણી યોજાશે. નેતાન્યાહુએ લોકમત અને પોતાની લિકુડ પાર્ટીની અંદરથી પણ પડકારોનો સામનો કરવો પડશે. મહામારી સામેના લોકડાઉનના કારણે અર્થવ્યવસ્થા અસરગ્રસ્ત થઈ છે. જો કે નેતાન્યાહુ અને તેમના સાથીઓએ ઈઝરાયેલમાં યોજાનારા રસીકરણ અભિયાનને પ્રદર્શનકારીઓ અને તેમની દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે જવાબ આપવા માટે ઉપયોગ કર્યો છે.