(એજન્સી) તા.૭
સમાચાર મુજબ ઈઝરાયેલી કબજાવાળી સેનાએ વેસ્ટ બેંકના શહેર તુલ્કારેમમાં એક પેલેસ્ટીની હોસ્પિટલ પર દરોડા પાડ્યા અને કાલે સવારે ટીયરગેસ છોડ્યો. થાબેટ સરકારી હોસ્પિટલના નિર્દેશક હેથમ શહીદે જણાવ્યું કે, જ્યારે ઈઝરાયેલી કબજાવાળા દળોએ હોસ્પિટલના કોરીડોર અને આઉટ પેશન્ટ ક્લિનિક સેકશનના વેટીંગ રૂમમાં સવારે ૩ઃ૩૦ વાગે દરોડા પાડ્યા અને ટીયરગેસ છોડ્યો. દરોડાથી ડોકટરો કર્મચારીઓ દર્દીઓ ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની વચ્ચે ભય ફેલાઈ ગયો. કોઈ જાનહાનીની સૂચના નથી. પેલેસ્ટીની આરોગ્ય મંત્રી માઈ અલ-કૈલાએ દરોડાની ટીકા કરી અને જણાવ્યું કે, એક નવો ઈઝરાયેલી અપરાધ જે તમામ આંતરરાષ્ટ્રીય સંધિઓ અને જીનિવા સંમેલનોનું ઉલ્લંઘન કર્યું છે. તેમણે પેલેસ્ટીની લોકોની સુરક્ષામાં હસ્તક્ષેપ કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્‌વાન કર્યું. એક મહિનાથી પણ ઓછા સમયમાં પેલેસ્ટીની હોસ્પિટલોની વિરૂદ્ધ ઈઝરાયેલી દળો દ્વારા કરવામાં આવેલો આ ત્રીજો હુમલો હતો. ઈઝરાયેલી દળોએ ગાઝાપટ્ટીમાં અલ-દુર્રા હોસ્પિટલ, રામલ્લાહમાં પેલેસ્ટીની મેડિકલ કોમ્પ્લેક્ષ અને તુલ્કારેમમાં થાબેટ હોસ્પટિલ પર હુમલો કર્યો.