(એજન્સી) તા. ૨૧
જ્યારે દુનિયાભરમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની ચર્ચા ચાલી રહી હતી ત્યારે ૩ નવેમ્બરના રોજ ઈઝરાયલી સરકારે જોર્ડન વેલીમાં આવેલા બેદોઈન વિસ્તારમાં રહેતા આશરે ૭૦ પેલેસ્ટીની પરિવારોને ઘરવિહોણાં કરી નાખ્યા હતા. જોકે મહત્ત્વપૂર્ણ વાત એ પણ છે કે કબજા હેઠળના વેસ્ટ બેન્કમાં હવે તાપમાનમાં પણ ઘટાડો નોંધાવા લાગ્યો છે જે ચર્ચાનો વિષય છે. મંગળવારે સવારે ૧૧ વાગ્યે ખિરબાત હુસ્ના વિસ્તારના પેલેસ્ટીની રહેવાશીઓ ત્યારે ચોંકી ગયા હતા જ્યારે તેમણે જોયું કે ઈઝરાયલી સરકારના સૈન્ય વાહનો, બુલડોઝર તથા એક્સકેવેટર ગામમાં એકાએક ધસી આવ્યા હતા. ફાતિમા અબુ અવ્વાદ નામની મહિલાએ એક અખબાર સાથેની વાતચીતમાં કહ્યું કે સૈનિકો અહીં મિલિટ્રી ટ્રેનિંગ કરવા આવ્યા હોય તેવો આભાસ થઈ રહ્યો હતો પરંતુ અમે વિચાર્યુ પણ નહોતું કે તેઓ ગામનો સફાયો કરી નાખવા આવ્યા છે. અમને વિશ્વાસ જ થઇ રહ્યો નથી કે ૨૪ કલાક પહેલા અમારા ઘરોની શું સ્થિતિ હતી ? તેઓ આમ તો અમને પહેલાથી ચેતવણી આપતા હતા. પરંતુ આ વખતે તેઓએ અમને કોઈ તક નહોતી આપી. તેઓએ અમને અમારા ઘર ખાલી કરવા માટે ફક્ત ૧૦ જ મિનિટનો સમય આપ્યો હતો. ઈઝરાયલી સૈનિકો સાથે આ વખતે ડઝનેકની સંખ્યામાં ઈઝરાયલી અધિકારીઓ પણ ગામમાં ધસી આવ્યા હતા. વેસ્ટ બેન્કમાં અમારા મકાનોનો સફાયો કરી નાખવાની જે ઓર્થોરિટીને જવાબદારી સોંપવામાં આવી હતી તેના પણ અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા હતા.