(એજન્સી) તા.ર
સોમવારની રાત્રે ઈઝરાયેલ અને ગાઝાના અધિકારીઓ એક સમજૂતી પર પહોંચ્યા હતા. જેમાં તેના પાવર પ્લાન્ટ માટે છૂટાછવાયા વ્યવસાયિક ક્રોસિંગ અને ઈંધણના પ્રવેશ માટે મંજૂરી અપાઈ હતી. આ સમજૂતીના કારણે ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેની એક મહિના સુધી ચાલુ રહેલી તંગદિલીનો અંત આવ્યો હતો. જેની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે ઈઝરાયેલે ગાઝા પટ્ટી પર ૧૪ વર્ષ જૂના ઘેરાબંધીને સમાપ્ત કરવા સંબંધિત અગાઉની સમજૂતીની શરતોના અમલીકરણમાં વિલંબ કર્યો હતો. ગાઝાના અધિકારીઓએ અહેવાલ આપ્યો કે ગાઝામાં એકમાત્ર પાવર પ્લાન્ટ ચલાવવા માટે વપરાતા ઔદ્યોગિક તેલના જહાજો, રસોઈ ગેસની સાથે એન્કલેવમાં પ્રવેશવા લાગ્યા હતા. ઓગસ્ટની ૧૬મી તારીખે ગાઝાનો એકમાત્ર પાવર પ્લાન્ટ કામ કરતા બંધ પડી ગયો હતો અને ગાઝાના રહેવાસીઓને કોરોના રોગચાળો ફાટી નીકળ્યો અને ગરમ હવામાનની લહેર વચ્ચે પ્રત્યેક દિવસ માત્ર ર-૪ કલાક માટે વીજળી પ્રદાન કરાતી હતી. ઈઝરાયેલ અને પેલેસ્ટીની પ્રતિકાર જૂથો પેલેસ્ટીની પ્રદેશોમાં કતારી રાજદૂત મોહમ્મદ અલ-ઈમાદી દ્વારા કરાયેલા મધ્યસ્થીના પ્રયત્નો પછી એક સમજૂતી પર પહોંચ્યા હતા. એક નિવેદનમાં હમાસે કહ્યું કે, ઈઝરાયેલે ગાઝા પર પોતાનો ઘેરો સરળ કરવા સંમતિ આપી હતી અને નવી નોકરીઓ ઉત્પન્ન કરવાની પરવાનગી આપી હતી.