(એજન્સી) તા.ર૨
તુર્કીની સરકાર જ્યાં સુધી ઈસ્તંબુલમાં સ્થિત હમાસની ઓફિસને બંધ નહીં કરે ત્યાં સુધી ઈઝરાયેલનો તુર્કી સાથે સંબંધો ફરીથી સામાન્ય બનાવવાનો અને તેના રાજદૂતને અંકારા પરત મોકલવાનો કોઈ ઈરાદો નથી. આ કચેરી પર આરોપ છે કે તેનું સંચાલન પેલેસ્ટીની ઈસ્લામિક પ્રતિકાર આંદોલનની સૈન્ય વિંગ દ્વારા કરવામાં આવે છે. એક ઈઝરાયેલી અધિકારીએ વાયનેટને કહેતા જણાવ્યું હતું કે એર્દોગન અંકારામાં અમારા રાજદૂતના પરત ફરવા પર ખુશ થશે, પરંતુ અમને જેમાં રસ છે એ છે તુર્કીમાં હમાસની પ્રવૃત્તિ. ર૦૧૯માં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રતિકાર ચળવળના કેટલાક વરિષ્ઠ વ્યક્તિઓ ઈસ્તંબુલનો ઉપયોગ સલામત આશ્રયસ્થાન તરીકે કરી રહ્યા હતા. ત્યારબાદ ગયા વર્ષે ઓક્ટોબરમાં ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે અહેવાલ આપ્યો હતો કે હમાસ જૂથે શહેરમાં એક કાર્યાલયની સ્થાપના કરી હતી. તેમજ એક ગુપ્ત સુવિધા પણ, જેનો ઉપયોગ ઈઝરાયેલ પર સાયબર હુમલા હાથ ધરવા માટે કરવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં એર્દોગને એક હમાસ પ્રતિનિધિ મંડળનું આયોજન કર્યું હતું. જેનું નેતૃત્વ તેના રાજકીય બ્યુરોના વડા ઈસ્માઈલ હાનિયાહ દ્વારા કરાયું હતું. વોશિંગ્ટને આ બેઠકની નિંદા કરી હતી. તુર્કીએ પેલેસ્ટીની જૂથો હમાસ અને ફતાહ વચ્ચે મધ્યસ્થી તરીકે રજૂઆત કરી હતી કે, બંને જૂથો રાષ્ટ્રીય સંવાદ પર સંમત થાય. ઈઝરાયેલ દ્વારા સામાન્યીકરણ માટેની શરતના જવાબમાં તુર્કીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે તેની પણ પોતાની શરતો છે. આ અંગે વિદેશમંત્રી મેવલૂટ કેવુસોગ્લુએ કહ્યું કે, ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય થઈ જશે, જો ઈઝરાયેલ પેલેસ્ટીનીઓ સામે કબજા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરે. આના વગર, સંબંધો કોઈપણ સંજોગોમાં સામાન્ય નહીં થાય.