(એજન્સી) તા.૪
હેબ્રોન શહેરમાં રાજકુમારી આલિયા સરકારી હોસ્પિટલમાં ઈઝરાયેલી કબજાવાળા દળો દ્વારા દાગવામાં આવેલા ટીયરગેસના કારણે અનેક દર્દી ઘાયલ થયા છે. હોસ્પિટલના નિર્દેશક ડૉ. તારીક બર્બાવીએ જણાવ્યું કે, ઈઝરાયેલી સૈનિકોએ આંતરિક આરોગ્ય વિભાગના એક રૂમમાં ટીયરગેસ છોડ્યો જેમાં કોરોના પીડિત કેટલાક દર્દી હતા. ટીયરગેસ હોસ્પિટલના વિભાગોની અંદર વ્યાપક રીતે ફેલાઈ ગયો હતો. જેનાથી આરોગ્ય કર્મચારી અને ડઝનો દર્દીઓનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. લગભગ રપ દર્દીઓ અને ડૉક્ટરોને ધુમાડાના કારણે સારવારની જરૂર પડી. દર્દીઓની સ્થિતિ હાલમાં સ્થિર છે. પરંતુ ટીયરગેસની ગંધ અત્યારે પણ હોસ્પિટલમાં આવી રહી છે. હેબ્રોનમાં પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયના નિર્દેશક રામી અલ-કવસ્મીએ ઈઝરાયેલના હુમલાની ટીકા કરી. આંતરરાષ્ટ્રીય સમુદાયને પેલેસ્ટીનીઓની વિરૂદ્ધ પોતાના ઉલ્લંઘનને રોકવા માટે કબજાવાળા રાજ્ય પર દબાણ બનાવવાનું આહ્‌વાન કર્યું. ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો કે તેને હોસ્પિટલની અંદર શું થયું, તેનું કોઈ જ્ઞાન નથી.