(એજન્સી) જેરૂસલેમ, તા.પ
ઈઝરાયેલી સુરક્ષા દળોએ સૈનિકો પર છરાબાજી દ્વારા જીવલેણ હુમલો કરનારા બે શંકાસ્પદ અરબોની ધરપકડ કરી છે. આ હુમલાને સત્તાધીશોએ આતંકી હુમલો ગણાવ્યો છે.
ગત ગુરૂવારે અરાદ શહેરના બસ સ્ટોપ નજીક હુમલાખોરોના પલાયન થયા બાદ ૧૯ વર્ષીય રોન કુકીઆ મૃત્યુની અવસ્થામાં જોવા મળ્યો હતો અને તેના શરીર પર ચાકુના ઘા પણ જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે ઈઝરાયેલી સુરક્ષા દળોએ દક્ષિણ ઈઝરાયેલમાંથી બે શંકાસ્પદોની ધરપકડ કરી હતી. તપાસને આધારે જાણવા મળ્યું કે, આ એક આતંકી હુમલો રાષ્ટ્રવાદ આધારે કરવામાં આવ્યો છે. આ શંકાસ્પદોમાંનો એક શખ્સ તપાસકર્તાઓને સૈનિકોની રાઈફલ જે સ્થળે રાખવામાં આવી હતી તે સ્થળે દોરી ગયો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આ બે શંકાસ્પદો અરબના રણપ્રદેશોમાં રહેતા હોવાનું સામે આવ્યું છે. ઈઝરાયેલ અને પેલેસ્ટીની પ્રદેશોમાં હિંસાને કારણે ઓક્ટોબર ર૦૧પથી અત્યાર સુધીમાં ૩૦૯ પેલેસ્ટીનીઓ અથવા અરબ ઈઝરાયેલીઓ પર ઈઝરાયેલીઓ અને ૭ વિદેશીઓનાં મોત નિપજ્યાં છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ઈઝરાયેલી સત્તાધીશોના જણાવ્યા અનુસાર મોટાભાગના પેલેસ્ટીનીઓ ચાકુ, બંદૂક વડે થતા હુમલાઓ તથા કાર સાથે ટકરાવાને કારણે મૃત્યુ પામ્યા છે. આ હુમલાઓમાં પોલીસ અને સૈનિકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. તાજેતરના મહિનાઓમાં આવા જીવલેણ હુમલાઓનું પ્રમાણ ઘણું ઓછું થયું છે.