(એજન્સી) તા.૧૫
બેહરીનના આંતરિક મંત્રાલયે ઈઝરાયેલ સાથેના સામાન્યીકરણ કરારની ટીકા કરનારા સોશિયલ મીડિયા કાર્યકરો વિરૂદ્ધ કાયદાકીય પગલા ભરવાનું વચન આપ્યું છે. સમાચાર એજન્સીનો ગઈકાલનો અહેવાલ. ગૃહમંત્રાલય સાથે સંકળાયેલા ભ્રષ્ટાચાર વિરોધી સામાન્ય ડિરેકટોરેટ અને આર્થિક અને ઈલકેટ્રોનિક અપરાધ નિવારણ વિભાગે એક નિવેદનમાં કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા એકાઉન્ટસ પર નજર રાખી રહ્યું છે જે ઈઝરાયેલ સાથેના બેહરીનના કરારના લીધે બેહરીનને બદનામ કરવા માટે કામ કરી રહ્યા છે. તેણે દાવો કર્યો છે કે આ એકાઉન્ટસ દેશદ્રોહ ફેલાવે છે અને રાષ્ટ્રીય શાંતિ અને સ્થિરતા માટે જોખમ સમાન છે અને દેશમાંથી બહાર ભાગી ગયેલા ‘ભાગેડુઓ’ દ્વારા તેનું સંચાલન કરાય છે. ૧૧ સપ્ટેમ્બરના રોજ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક જાહેરાત કરી હતી કે બેહરીન ઈઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવા માટે સંમત છે. તે પછી વ્હાઈટ હાઉસ ખાતે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. પેલેસ્ટીની લોકો સાથે મળીને બેહરીનના વિપક્ષો અને એનજીઓએ આ કરારની ટીકા કરી છે અને તેને પેલેસ્ટીનીઓની પીઠમાં છરાનો માર માર્યા સમાન ગણાવ્યા છે.