હિંમતનગર, તા. ૧૯
ઈડર તાલુકાના મુડેટી ગામે પાંચ વર્ષ અગાઉ ખેતરમાંથી નીકળવાના રસ્તા બાબતે ત્રણ જણાને અદાવત રાખી ગેરકાયદે મંડળી રચી આ ઈસમનો લાગ જોઈ ઘાતક હથિયારો અને ધોકા મારી મોત નિપજાવી હત્યા કરી હતી. જે અંગેનો કેસ તાજેતરમાં ઈડરની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધિશે આ ત્રણેય હત્યારાઓને આજીવન કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત એવી છે કે મુડેટી ગામના વિનુભાઈ ભાખાભાઈ પટેલ ગત તા.રપ-ર-ર૦૧૩ના રોજ સાંજના સુમારે ગામની સીમમાં પ્રવિણભાઈ કાળુભાઈ નાયકા, કાંતિભાઈ દલીયાભાઈ નાયકા અને નિમેષ ઉર્ફે મીતેષભાઈ અમરસિંગભાઈ નાયકાએ રસ્તામાં માથાકુટ નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો. જેથી આ ત્રણેય જણાને ખોટુ લાગ્યુ હતું અને તેની અદાવત રાખીને તેઓએ ચંદુભાઈ છગનભાઈ પટેલના ભાગીયા હોય ચંદુભાઈ જો કુવા ઉપર હાજર હોય તો તેઓના ભાગીયા રસ્તામાં જતા આવતા માથાકૂટ ન કરે તે માટે વિનુભાઈએ કહ્યું હોવાથી આ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ વિનુભાઈ પટેલ પર હત્યા કરવાના ઈરાદે તિક્ષ્ણ હથિયારો અને લાકડીના ધોકા વડે માથામાં ઈજા પહોંચાડી હત્યા કરી દીધી હતી. જે અંગેની ફરિયાદ તત્કાલિન સમયે ઈડર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
ત્યારબાદ ઈડર પોલીસે સમગ્ર ગુનાની તપાસ કરી ઈડરની કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જે અંગેનો કેસ તાજેતરમાં ઈડર ખાતે આવેલ ત્રીજા એડી.સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી ન્યાયાધિશ એસ.વી.શર્માએ મુડેટીના વિનુભાઈ પટેલની હત્યા કરનાર ત્રણેય ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારી હતી.