ઈડર,તા.ર૭
ઈડરના પાવાપુરી જલમંદિરના બે જૈન સાધુઓએ અનુયાયી મહિલા સાથે મંદિર પરિસરમાં દુષ્કર્મ આચરતા જેના જૈન તથા અન્ય સમાજમાં ઘેરા પડઘા પડયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવી નરાધમોની ધરપકડની માગ કરી હતી. લોકરોષને પારખી ઈડર પોલીસે આજે બંને સાધુની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સુરતની મહિલાએ ગત તા.ર૦-૬-ના રોજ ઈડર અંબાજી હાઈવે ઉપર આવેલ જલમંદિર જૈન દેરાસર અને પાવાપુરી સંમેય શીખર તીર્થ ધામના સંસ્થાના પ્રમુખ કલ્યાણ સાગર અને રાજતિલક સાગર સામે પોતાના પર મંત્રતંત્રના નામે વ્યભિચાર તથા દુષ્કર્મ આચર્યાનો વીડિયો વાયરલ થયો હોવાથી આ બંને સાધુ વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના લીધે ઈડર જૈન સમાજમાં આ બંને સાધુ વિરૂદ્ધ રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી. દુષ્કર્મનો વીડિયો જોઈ આ બંને સાધુઓને સંસારિક કપડા પહેરાવીને જેલમાં નાંખી દોની માગ કરી જૈન સમાજના લોકો ઈડર પોલીસ સ્ટેશને ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને બંને વિરૂદ્ધ આવેદન પાઠવ્યું હતું.
આ અંગે ઈડરના ડો. આષિતભાઈ પ્રફુલચંદ દોશી તથા વડાલીના ડો. નિકુંજ વોરાએ આ બંને સાધુઓ વિરૂદ્ધ જૈન સિધ્ધાંતોનું ઉલ્લંઘન કરી સંસારિક જીવનજીવી મહિલા અનુયાયીઓને તંત્રમંત્ર વિદ્યા કરી દેવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચરી ધાર્મિક સંસ્થા તેમજ ધર્મને લાંછન લાગાડતા કાર્ય અંગે સુરતના અનુયાયીએ તા.૩-૧-ર૦ના રોજ તેની પત્નીને આ બંને સાધુઓએ શારીરિક શોષણ કરી તેના વીડિયો બનાવ્યાની વાત કહેતા ઉકત સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા બંને સાધુઓ વિરૂદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને ઈડર પોલીસે બંને સાધુની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા હતા.