(એજન્સી) તા.૧
ઈઝરાયેલી કબજાવાળી પોલીસે હેબ્રોન શહેરની ઈબ્રાહિમી મસ્જિદમાં ર,૦૦૦થી વધુ પેલેસ્ટીનીઓને પ્રવેશ કરતા અટકાવ્યા હતા. જ્યાં તેઓ પયગમ્બર મોહમ્મદ સાહેબ (સ.અ.વ)ના જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવાની આશા રાખતા હતા. એમ એનાડોલૂનો અહેવાલ. ઈબ્રાહિમી મસ્જિદના ડિરેક્ટર હેફઝી અબુ સ્નીનાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતુ કે ઈઝરાયેલી અધિકારીઓએ ફક્ત પ૦૦ પેલેસ્ટીનીઓને પ્રવેશવાની મંજૂરી આપી હતી અને ર,૦૦૦થી વધુ લોકોને અંદર પ્રવેશતા અટકાવ્યા હતા. તેમણે આને સ્વતંત્ર પણે ઈબાદત કરવાના અધિકારનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું. આજે મસ્જિદ મુસ્લિમો માટે સંપૂર્ણ રીતે ખુલ્લી છે પણ હંમેશની જેમ, ઈઝરાયેલ કબજાવાળા પેલેસ્ટીનીઓના અધિકારને ઘટાડી રહ્યા છે અને તેમના અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ૧૯૯૪માં એક યહૂદી ઉગ્રવાદી વસાહતી, બરૂચ ગોલ્ડસ્ટેઈને ર૯ પેલેસ્ટીની ઈબાદતગારોની હત્યા કરી હતી અને ઘણાઓને ઘાયલ કર્યા હતા જ્યારે તેઓ મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા, ત્યાર પછી ઈઝરાયેલે મસ્જિદને મુસ્લિમો અને યહૂદીઓ વચ્ચે વિભાજિત કરી નાખી હતી. આ મસ્જિદનું નામ નબી ઈબ્રાહિમ (અ.સ.)ના નામ પર રાખવામાં આવ્યું છે.