સૈયદ ઝફર મહેમૂદે જણાવ્યું હતું કે સચ્ચર કમિટી દ્વારા સિવિલ સર્વિસીસમાં મુસ્લિમોના નબળા પ્રતિનિધિત્વ અંગે પ્રકાશ પાડ્યા બાદ મુસ્લિમ ઉમેદવારોને તાલીમ આપવા માટે એક કેન્દ્ર સ્થાપવાનું નક્કી કર્યું હતું

નવી દિલ્હી : જ્યારે સુપ્રીમ કોર્ટે સુદર્શન ટીવી ન્યૂઝને પૂછ્યું કે મુસ્લિમોને સિવિલ સર્વિસમાં ભરતી કરવાના તેના ૧૦-એપિસોડના કાર્યક્રમને શા માટે ‘યુપીએસસી જેહાદ’નું નામ આપવામાં આવ્યું છે, ત્યારે ચેનલે જણાવ્યું હતું કે તેમણે આવું કર્યું કારણ કે ઝકાત ફાઉન્ડેશન – જે સમુદાયને તાલીમ આપે છે – તેમણે ભારત વિરોધી, યુકે સ્થિત સંસ્થા તરફથી ભંડોળ મેળવ્યું હતું.
જ્યારે સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે ૧૧થી ૧૪ સપ્ટેમ્બર સુધી ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા ચાર એપિસોડ મુસ્લિમોને કલંકિત કરવા માટે દોષી છે, જ્યારે ધ વાયરે આ આક્ષેપો અંગે ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સૈયદ ઝફર મહેમૂદ સાથે વાત કરી હતી.
ભૂતપૂર્વ સિવિલ સેવક અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ માટે વિશેષ ફરજ પરના અધિકારી, મહેમૂદે કહ્યું હતું કે સુદર્શન ટીવી દ્વારા પ્રદર્શિત કરાયેલ સાંકડી વિચારધારા “મનોવિકૃતિ” હતી અને “૯૫% કરતાં વધુ વસ્તી ક્યારેય આવા ઉદ્દામ મંતવ્યોનો સ્વીકાર કરશે નહીં.”
તેમણે નાણાકીય ગેરરીતિના તમામ આક્ષેપોને પણ નકારી કાઢયા, અને કહ્યું કે તેમના ફાઉન્ડેશને વિદેશી યોગદાન નિયમન અધિનિયમ અને આવકવેરાના કાયદાઓનું પાલન કરવા ઉપરાંત ગૃહ મંત્રાલય દ્વારા સૂચવેલા તમામ ઔચિત્ય નિયમો નિયમિતપણે પાળ્યા છે. તેમણે જણાવ્યું કે ઝકાત ફાઉન્ડેશનની સ્થાપના ૧૯૯૭ માં કરવામાં આવી હતી અને “અનાથ સાથે કામ કરીને, ગરીબ છોકરીઓના લગ્ન વખતે કરવામાં આવતા ખર્ચમાં સહાય આપીને અને વિધવાઓને અન્ન અને અન્ય જરૂરિયાતોમાં મદદ કરવાથી શરૂઆત કરી હતી.”
સચ્ચર પેનલની ‘નબળા પ્રતિનિધિત્વ’ ની શોધ
મહમૂદે કહ્યું કે સચ્ચર કમિટી દ્વારા સિવિલ સર્વિસીસમાં મુસ્લિમોના નબળા પ્રતિનિધિત્વ અંગે પ્રકાશ પાડ્યા બાદ તેમણે આશાસ્પદ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું નક્કી કર્યું. તેમણે ઉમેર્યું “ફાઉન્ડેશન દ્વારા સિવિલ સર્વિસિસ માટે સર સૈયદ કોચિંગ અને ગાઇડન્સ સેન્ટર શરૂ કરાયું હતું, જેણે વર્ષોથી વિવિધ પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તાલીમ આપી છે અને તેમાંથી ૧૦૦ થી વધુની નાગરિક સેવાઓમાં ભરતી થઈ છે.” મહેમૂદે જણાવ્યું હતું કે ફાઉન્ડેશનનું તમામ કાર્ય બંધારણીય અને માનવ ધારાધોરણોના અંતર્ગત છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ન્યાયતંત્ર, મીડિયા, સામાજિક જૂથો અને જનતા જેવા સમાજના વિવિધ ભાગો “નકારાત્મક શક્તિઓને” રસ્તો બતાવશે. તેમણે કહ્યું કે આ ચાલી રહેલું ઝેરીલું અભિયાન કોઈપણ રીતે લોકોમાં નાગરિક કર્મચારીઓના માનને ઓછું કરશે નહીં. આ પ્રોગ્રામની જાહેરાતો એ વંટોળ ઊભું કર્યા પછી માહિતી અને પ્રસારણ મંત્રાલયે એપિસોડ્‌સને ટેલિકાસ્ટ કરવાની મંજૂરી ન આપવી જોઇએ તેવો સવાલ પૂછતાં મહેમદે કહ્યું હતું કે મુશ્કેલીઓ અને સુધારાત્મક કાર્યવાહી પ્રક્રિયાનો એક ભાગ છે, પરંતુ આખરે તો સારી શક્તિઓ છે જે જીતે છે. “તેથી લોકોએ તેમનું સારૂં કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ,” તેમણે ઉમેર્યું.
આક્રોશ અને અદાલતો
૨૮ ઓગસ્ટના રોજ રિલીઝ થયેલ સુદર્શન ટીવી ન્યુઝના ટ્રેઇલરે કલ્પના કરવા માટે કશું છોડયું નથી, જેમકે જાહેર કરાયુંઃ “વિચારો, જો જામિયાના જેહાદી તમારા જિલ્લા મેજિસ્ટ્રેટ હોય તો શું.”
જાહેરાતમાં ચેનલના વડા સુરેશ ચવ્હાણે એ જણાવવાની કોશિશ કરી કે મુસ્લિમ સમુદાય દ્વારા કાવતરૂં કરવામાં આવ્યું છે, જેનો હેતુ સિવિલ સર્વિસિસમાં મોટી સંખ્યામાં બેઠકો મેળવવાનો છે. કાર્યક્રમની સ્ક્રીનિંગ સામે સુપ્રીમ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટમાં તુરંત અરજીઓ દાખલ કરવામાં આવી હતી. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે પ્રોગ્રામની સામગ્રી સામૂહિક રૂપે વિભાજનકારી હતી અને કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમો, ૧૯૯૪ હેઠળ દાખલ પ્રોગ્રામ કોડનું ઉલ્લંઘન કરતી હતી. જ્યારે સુપ્રીમ કોર્ટે પૂર્વ પ્રસારણ માટે મનાઈ હુકમ આપવાનો ઇન્કાર કરી દીધો હતો, ત્યારે દિલ્હી હાઈકોર્ટે તેના પ્રસારણ પર સ્ટે આપ્યો હતો. પરંતુ તે કાર્યક્રમનું પ્રસારણ થવું જોઈએ કે કેમ તે નક્કી કરવા માહિતી અને પ્રસારણ મંત્રાલય પર છોડી દીધું હતું. તેના બચાવમાં ચેનલ દ્વારા કરવામાં આવેલા બે વિવાદોમાંના એક સાથે અસંમત હોવા છતાં મંત્રાલયે સ્ક્રીનિંગને મંજૂરી આપી હતી. જો કે, ૧૦ એપિસોડ ટેલિકાસ્ટ થયા હોવા છતાં, કાર્યક્રમ સામે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી હતી. એડવોકેટ ફિરોઝ ઇકબાલ ખાને દાવો કર્યો હતો કે આ કાર્યક્રમમાં અપમાનજનક નિવેદનો હતા અને વધુ પ્રસારણ પર રોક લગાવવાની માંગણી કરી હતી, જ્યારે સાત ભૂતપૂર્વ નાગરિક કર્મચારીઓએ કરેલી અરજીમાં સર્વોચ્ચ અદાલતને “નફરત ભાષણ”નો અવકાશ અને અર્થ સ્પષ્ટ કરવા માટે એક અધિકૃત ચુકાદો જારી કરવા તાકીદ કરી હતી. જસ્ટીસ ડી.વાય.ચંદ્રચુડ, ઇન્દુ મલ્હોત્રા અને કે.એમ. જોસેફેની સુપ્રીમકોર્ટની બેંચે નિરીક્ષણ કર્યું હતું કે, “પહેલી નજરે, તે કોર્ટ સમક્ષ પ્રદર્શિત કરે છે કે જે પ્રસંગોનું પ્રસારણ કરવામાં આવ્યું છે તેનો ઉદ્દેશ, સામગ્રી અને કારણ મુસ્લિમ સમુદાયને કલંકિત કરવાનો છે. સમુદાય નાગરિક સેવાઓની ઘૂસણખોરીના ષડયંત્રમાં સામેલ છે તે સમજાવવાનો એક કપટી પ્રયાસ કરવામાં આવ્યો છે. ” કાર્યવાહી દરમિયાન, ચેનલે દલીલ કરી હતી કે તે “રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાથી સંબંધિત છે.” સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારથી સંજોગોમાં ફેરફાર થયો છે અને ૧૫ સપ્ટેમ્બરના રોજ તેમણે વધુ એપિસોડ ટેલિકાસ્ટ ન કરવા માટે ચેનલને રોકી હતી.
ચેનલ દ્વારા મુખ્ય આક્ષેપો
ઝકાત ફાઉન્ડેશનને ભારતના વિરોધીઓ પાસેથી ભંડોળ મેળવવાનો આરોપ મૂકવા ઉપરાંત, ચેનલે જણાવ્યું હતું કે ઉડાન યોજના, જે લઘુમતી સમુદાયના સભ્યોને નાગરિક સેવાઓની પરીક્ષા માટે ૧ લાખ રૂપિયા આપે છે તે તેના વિદ્યાર્થીઓને હિંદુઓ કરતાં વધુ લાભ અપાવે છે. વળી, એમ પણ કહેવામાં આવ્યું છે કે, મુસ્લિમોને ૩૫ વર્ષની વય સુધી નવ પ્રયત્નો કરવાની છૂટ છે, જ્યારે ૩૨ વર્ષની વય સુધી હિંદુઓને છ પ્રયત્નોની જ મંજૂરી આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૧ના ડેટાને ટાંકીને, ચેનલે એમ પણ કહ્યું હતું કે પરીક્ષાઓમાં ઉર્દૂ પસંદ કરનારા ઉમેદવારોની સફળતાનું પ્રમાણ અસંગત રીતે ઊંચું હતું. તે પણ દલીલ કરે છે કે મુસ્લિમ ઉમેદવારોએ અન્ય સમુદાયોના લોકો કરતા ઇન્ટરવ્યુમાં ૯%થી વધુ ગુણ મેળવ્યા છે. આ બધા આક્ષેપોને નકારી કાઢતાં મહેમુદે ધ વાયરને જણાવ્યું કે બંધારણીય ધોરણો છે કે જે તમામ લઘુમતી સમુદાયોને ટેકો પૂરો પાડે છે અને તેથી જો ચેનલને કોઈ વાંધો હોવો જોઇએ તો તે આ જોગવાઈઓ અને સરકાર સામે નિર્દેશિત થવો જોઈએ.
સમકલ્પ ફાઉન્ડેશન
ઝકાત ફાઉન્ડેશન એકમાત્ર સંસ્થા નથી કે જે કોઈ ચોક્કસ ધાર્મિક જૂથને તાલીમ સહાય પૂરી પાડે છે. આરએસએસ-પ્રેરિત સમકલ્પ ફાઉન્ડેશન, પણ ૧૯૮૬ માં તેના ફાઉન્ડેશન પછી મોટી સંખ્યામાં સિવિલ સેવકો આપી રહ્યું છે. ૨૦૨૦ નાગરિક સેવાઓની પરીક્ષામાં, ફાઉન્ડેશને ૬૧% સફળતાનો દાવો કર્યો હતો, અને કહ્યું હતું કે પસંદ કરાયેલા ૭૫૯ ઉમેદવારોમાંથી ૪૬૬ને તેમણે માર્ગદર્શન આપ્યું હતું. ફાઉન્ડેશન ભાજપના નેતાઓને તેના કાર્યક્રમો માટે નિયમિત આમંત્રણ આપે છે. ૨૦ સપ્ટેમ્બરના રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે કેન્દ્રીય તેલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને આમંત્રણ અપાયું છે.
જટ્ઠદ્બાટ્ઠઙ્મૈટ્ઠજર્ષ્ઠટ્ઠષ્ઠરૈહખ્ત. ર્ષ્ઠદ્બ વેબસાઇટ પરના ‘મિશન’ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ જૂથ “નાગરિક સેવાઓ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપી શકે તેવા ભારતીય વિદ્યાર્થીઓની ઓળખ અને માર્ગદર્શન આપવા અને ભારતીય મૂલ્યો અને નૈતિકતાને ઉત્તેજિત કરવામાં મદદ કરવા માંગે છે.” વર્ષોથી, મોટી સંખ્યામાં સિવિલ સર્વિસના ઇચ્છુક વિદ્યાર્થીઓએ આ સંસ્થામાં તાલીમ લીધી છે અને સિવિલ સર્વિસમાં પ્રવેશ કર્યો છે. એવું કહેવામાં આવે છે કે આના કારણે જ હવે સેવાઓનું એક હદ સુધી ‘ભગવાકરણ’ થઈ ગયું છે. જ્યારે પૂછવામાં આવ્યું કે સેવા આપતા અને નિવૃત્ત અમલદારો અને પોલીસ અધિકારીઓ દ્વારા વિભાજનકારી અથવા કોમવાદી દૂષિત ટિપ્પણીઓ, વિચારસરણીની પ્રક્રિયામાં પરિવર્તનના સૂચક છે, ત્યારે મહેમૂદે કહ્યું કે આવી ટિપ્પણીઓ કરનારા લોકો હજી બહુ ઓછા છે અને અમલદારશાહીની અખંડિતતા મોટાભાગે અકબંધ છે.
(સૌ. : ધ વાયર.ઈન)