(એજન્સી) તા.૮
સઉદી અરેબિયાના ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારી સઅદ અલજબરીએ રાજકુંવર મોહમ્મદ બિન સલમાન વિરૂદ્ધ અમેરિકામાં કેસ દાખલ કરી દીધો છે. વોશિંગ્ટનની અદાલતમાં દાખલ કરાયેલા કેસમાં અલજબરીએ કહ્યું કે મોહમ્મદ બિન સલમાન તેમની હત્યા કરાવવા ઈચ્છે છે જે રીતે તેમણે વરિષ્ઠ પત્રકાર જમાલ ખાશોગીની હત્યા કરાવી હતી. અલજબરીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે બિન સલમાને તેમની હત્યા કરાવવા એક ટુકડી કેનેડા મોકલી હતી જેથી મહત્વપૂર્ણ દસ્તાવેજ તેમની પાસેથી ઝૂંટવી શકે. અલજબરીનું કહેવું છે કે ર ઓકટોબર ર૦૧૮માં જમાલ ખાશોગીની હત્યાના બે અઠવાડિયા પછી જ એક ટુકડી કેનેડા પહોંચી ગઈ હતી અને મહત્વપૂર્ણ બાબત એ છે કે અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓને આ ટાર્ગેટ કિલિંગની યોજના વિશે માહિતી હતી. અલનિમ્ર નામની ટુકડીને અલજબરીની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી, આ ટુકડી પર્યટન વિઝા સાથે કેનેડા પહોંચી હતી અને તેની સાથે એક ડોકટર અને સર્જિકલ સાધનો પણ હતા, પરંતુ એરપોર્ટ પર કેનેડાના અધિકારીઓને તે માટે આશંકા થઈ જયારે ટુકડીના સભ્યોએ દાવો કરતા કહ્યું કે તેઓ એક બીજાને ઓળખતા નથી. શંકા પુરવાર થયા પછી કેનેડાના અધિકારીઓએ ટુકડીના ફકત એક સભ્યને દેશમાં પ્રવેશ થવાની મંજૂરી આપી જેની પાસે ડિપ્લોમેટિક (રાજદ્વારી) પાસપોર્ટ હતો. અલજબરીએ અદાલતમાં જે દસ્તાવેજો રજૂ કર્યા છે તેનાથી એ પણ પુરવાર થાય છે કે બિન સલમાને પોતાના સલાહકારોને જણાવ્યું હતું કે તેમણે અલજબરીની હત્યા કરાવવાનો ફતવો પ્રાપ્ત કરી લીધો છે. અલજબરીએ અદાલતમાં જે દસ્તાવેજો રજૂ કર્યા છે તેમાં મો. બિન સલમાને લખેલો પત્ર પણ છે. જેમાં તેમણે અલજબરીને ધમકી આપી છે કે તે ર૪ કલાકની અંદર અંદર સઉદી અરેબિયા પાછા ફરી જાય, નહીં તો તેમની હત્યા કરી નાખવામાં આવશે. બિન સલમાનને એવું પણ લાગે છે ખાશોગી હત્યાના મામલામાં બહુ બધી માહિતી સીઆઈએને અલજબરી દ્વારા મળી છે. દસ્તાવેજોમાં આ પણ કહેવામાં આવ્યું છે કે વર્ષ ર૦૧૭માં બિન સલમાને અલજબરીની હત્યા કરાવવા માટે ટુકડી અમેરિકાના બોસ્ટન શહેરમાં મોકલી હતી અને ઘણા મહિનાઓ સુધી તેમની ઉપર જાસૂસી કરાવી હતી. અલજબરીએ અદાલતને જણાવ્યું કે તેમની પાસે ખુબ જ મહત્વપૂર્ણ માહિતીઓ અને દસ્તાવેજો છે જેનો નાશ કરવા માટે બિન સલમાન તેમની હતયા કરાવવા માંગે છે અને જો તેમની હત્યા કરવામાં આવશે તો આ બધા દસ્તાવેજો જાહેર કરી દેવામાં આવશે. અમેરિકી સેનેટર ટોમ મોલીનોવ્સ્કીએ સીએનએન સાથેની એક વાતચીતમાં કહ્યું કે અલજબરીએ અદાલતને જે માહિતી આપી છે તે સાચી છે.