(એજન્સી)
નવી દિલ્હી-વોશિંગ્ટન, તા.૧૯
ભારત અને અમેરિકાના ઘણાં બધાં નાગરિક અધિકાર કાર્યકરો અને સંગઠનોએ દેશની સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગણી કરી હતી કે, પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને જામીન આપવામાં આવે. ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઈએેએમસી) અને હિન્દુ ફોર હ્યુમન રાઈટ્‌સ નામક સંસ્થાઓ અને કાર્યકરોએ એક ઓનલાઈન પત્રકાર પરિષદમાં દલીલ કરી હતી કે, હત્યા કેસમાં ભટ્ટને દોષિત ઠેરવવા તે ખોટું છે તેમજ બોગસ પુરાવારાના આધારે તેમને કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આગામી ૨૨મી જાન્યુઆરીના રોજ સંજીવ ભટ્ટ સામેની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી શશી થરૂરે જણાવ્યું હતું કે, ભટ્ટ સાથે થયેલા અન્યાયના કારણે લોકોમાં રોષ છે. એક એવી વ્યક્તિ સાથે અન્યાય થયો છે જેઓએ સમાજ માટે સારૂં કાર્ય કર્યું છે અને સત્તા સામે સત્ય કહેવાની હિંમત દાખવી છે. આવી વ્યક્તિને જેલમાં ધકેલી દેવામાં આવી છે. ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ ડિરેકટર રસીદ અહેમદે જણાવ્યું હતું કે, ભારત સરકારે સંજીવ ભટ્ટના કેસને રાજ્કીય ચશ્માથી જોવાની વૃતિ બંધ કરી દેવી જોઈએ. અને તટસ્થ તથા સરકાર કે રાજ્કીય દબાણને વશ નહીં થનારા જજોની દેખરેખ હેઠળ સંજીવ ભટ્ટનો કેસ ચલાવવો જોઈએ. જાણીતા ડોક્યુમેન્ટરી ફિલ્મ નિર્માતા અને માનવ અધિકારોના રક્ષક આનંદ પટવર્ધને જણાવ્યું હતું કે, બીજા કોઈ નહીં પણ વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલી કત્લેઆમ અંગે સત્ય બોલવાના કારણે ભટ્ટ જેલમાં છે. તેમણે આ કત્લેઆમનો વિરોધ કર્યો હતો. સમાજે ભટ્ટની જેલ મુક્તિ માટે ઝુંબેશ ચલાવવી જોઈએ. માનવ અધિકાર કાર્યકર અને ક્લાસિક નૃત્યાંગના મલિકા સારાભાઈએ જણાવ્યું હતું કે, માત્ર ભટ્ટના કેસમાં જ નહીં પણ મોદી સામે જે અવાજ ઉઠાવે છે તેમની સામે એક નક્કી એજન્ડા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે. જે લોકો સરકાર સામે કે લોકશાહીના ભંગ સામે અવાજ ઉઠાવે છે તેમને સજા કરવામાં આવે છે. તેમની પર તપાસ એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવે છે અથવા તેમને ખોટા કેસોમાં ફસાવી દેવામાં આવે છે. આ રીતે તેમને ચૂપ કરી દેવાય છે.