(એજન્સી) નવી દિલ્હી, તા.૩
સુપ્રીમ કોર્ટે દેશનું નામ ઇન્ડિયાથી બદલી ભારત કરવા માટે બંધારણના અનુચ્છેદ ૧માં સુધારાની માગણી કરતી અરજીના સંદર્ભે કેન્દ્રને કહ્યું કે, તે આને પ્રતિનિધિત્વ તરીકે લે અને આ અંગે નિર્ણય કરે. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની બેન્ચે સ્વીકાર્યું કે, આ રીતે નામ પરિવર્તન માટે બંધારણમાં સુધારો કરવા માટે કોર્ટ કોઈ આદેશ પસાર કરી શકે નહીં. સીજેઆઈ બોબડેએ બંધારણના અનુચ્છેદ ૧નું ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે આવું કરી નહીં શકીએ. ભારતના બંધારણમાં ભારત પણ લખેલ જ છે. અરજદાર નમાહ તરફે હાજર રહેલ વકીલ અશ્વિન વૈદ્યે કહ્યું કે, ઇન્ડિયા નામ જે રજૂ કરાયું છે એ ગ્રીક શબ્દ ઈન્ડિકાથી ઉત્પન્ન થયેલ છે. ઈતિહાસ ભારત માતાની જયના દાખલાઓથી ભરેલ છે, જ્યારે કોર્ટે કોઈ પણ સકારાત્મક દિશા નિર્દેશો આપવા ઇનકાર કર્યોે, ત્યારે વકીલે કોર્ટને વિનંતી કરી કે, એ આ રીતના ઉદ્દેશ્ય માટે કેન્દ્ર સમક્ષ પ્રતિનિધિત્વ આપવાની પરવાનગી આપે. આ વિંનતીના આધારે કોર્ટે અરજીનું પ્રતિનિધિત્વ કરવા માટે યોગ્ય મંત્રાલયને નિર્દેશ આપતા અરજીનો નિકાલ કર્યો હતો. કોર્ટે ૨૦૧૬ના વર્ષમાં આ પ્રકારની અરજી રદ્દ કરી હતી. અરજીમાં કહેવાયું હતું કે, દેશને મૂળ અને પ્રમાણિક નામ ભારત દ્વારા માન્યતા આપવી જોઈએ. અરજદારે કહ્યું હતું કે, અનુચ્છેદ ૧માં સુધારો કરવાથી સુનિશ્ચિત થશે કે, આ દેશના નાગરિકો પોતાના ગુલામીના ભૂતકાળને “અંગ્રેજી નામ હટાવવા”થી ભૂલશે, જે એક રાષ્ટ્રીય ભાવના પણ પેદા કરશે. સમય પોતાના મૂળ અને પ્રમાણિક નામથી દેશને ઓળખવા માટે ખરૂં છે, ખાસ કરીને જ્યારે અમારા શહેરોના નામો ભારતીય લોકાચારથી ઓળખવા માટે બદલવામાં આવ્યા છે.