(એજન્સી) ઈન્દોર, તા.૮
ઈન્દોરના સાઉથ તોડા ક્ષેત્રમાં કોમી એકતાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં એક ગરીબ વૃદ્ધાનું મોત થયું હતું. લોકડાઉનના કારણે સંબંધીઓ અંતિમવિધિ માટે પહોંચી શક્યા ન હતા. જેથી વિસ્તારના મુસ્લિમ યુવકોએ અંતિમક્રિયાની તૈયારી કરી. તેઓ અર્થીને કાંધ આપી સ્મશાન સુધી લઈ ગયા હતા અને આ માટેનો તમામ ખર્ચ યુવાનોએ કર્યો. કોરોના વાયરસના આ સમયમાં જ્યાં એક તરફ સંબંધોમાં ઓટ આવી રહી છે ત્યાં આ યુવકોએ કોમી ભાઈચારાનું અનોખું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
સાઉથ તોડાના જૂના ગણેશ મંદિર પાસે રહેતા દુર્ગામાને લકવો થયો હતો. તેમના બે પુત્રો છે. તેઓ મોટા પુત્ર પાસે રહેતા હતા. રાત્રે તેમનું મોત થયું હતું જ્યારે આ વાતની જાણ મોહલ્લાના અસલમ, અકીલ, સિરાજ, ઈબ્રાહિમ, આરિફને થઈ તો તેઓ દુર્ગાના ઘરે પહોંચ્યા હતા. દુર્ગાનો પરિવાર ખૂબ ગરીબ છે. પરિવારના લોકોએ શબવાહિનીને ફોન કર્યો પણ વાહન ઉપલબ્ધ ન હતું. કોરોનાના કારણે ક્ષેત્રના અન્ય લોકો અંતિમ ક્રિયામાં સામેલ થતાં ડરી રહ્યા હતા. ત્યારબાદ મુસ્લિમ યુવકો આગળ આવ્યા અને અઢી કિ.મી. સુધી કાંધ આપી સ્મશાન સુધી લઈ ગયા. આ દરમ્યાન તેમણે શારીરિક અંતરની પણ તકેદારી રાખી હતી. સ્થાનિક નિવાસી અસલમે જણાવ્યું હતું કે આ અમારી ફરજ હતી જ્યારે અમે નાના હતા ત્યારે દુર્ગામાના ખોળામાં રમતા હતા. તેઓ અમારી માતા જેવાં હતાં. અર્થીને કાંધ આપતા યુવકોની તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ હતી.