અમદાવાદ, તા.૧
કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ૪૩૯પ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક બેવડી સદી ફટકારીને ર૧૪ થયો છે. રાજ્યમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાએ ભરડો લીધો હોય તેમ અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ ૩૦ર૬ કેસ નોંધાયા છે. કોરોનાને ફેલાતો અટકાવવા હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, પણ જ્યાં સુધી પ્રજા જાગૃત નહીં થાય, ત્યાં સુધી આની સાંકળ તોડવી મુશ્કેલ છે. અમદાવાદના ખ્યાતનામ ડૉક્ટર વારીસ કોન્ટ્રાક્ટર (એમ.ડી.)ના જણાવ્યા મુજબ કોરોના વાયરસની મહામારી વચ્ચે હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમો કાળ-ઝાળ ગરમીમાં રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરી રહ્યા છે. ડૉ. વારીસના જણાવ્યા અનુસાર ઈફ્તાર વખતે ઠંડું પાણી, ઠંડા શરબત પીવા જોઈએ નહીં. કેળા અને દ્રાક્ષ ખાવાથી દૂર રહેવું જોઈએ. લિકવીડ વધારે પીવો, ગરમ પાણીના કોગળા કરો, પૂરતો આરામ કરો અને શરદી-ખાંસી કે તાવ આવતો હોય તો ડૉક્ટર પાસે ચેકઅપ કરાવો. કોરોના વાયરસ ઉપર કાબૂ મેળવી લીધા બાદ કઈ તકેદારી રાખવી જોઈએ. આ અંગે ડૉ. વારીસે જણાવ્યું કે, પાંચ-છ મહિના સુધી સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખવું પડશે અને માસ્ક પહેરવાની તો હવે આદત જ પાડવી પડશે.