(એજન્સી) નવી દિલ્હી, તા.ર
પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનવા જઈ રહેલ તહરીક-એ-ઈન્સાફ પ્રમુખ ઈમરાન ખાનના શપથ સમારંભમાં વિદેશી મહેમાનોને આમંત્રણ નથી પરંતુ ઈમરાનના કેટલાક નિકટના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પૂર્વ ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને નવજોત સિંઘ સિદ્ધુ તેમજ અભિનેતા આમિરખાનનો સમાવેશ થાય છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેનારા લોકોને આતંવાદી તરીકે જોવામાં આવશે. તેમણે કહ્યું જે પણ પાકિસ્તાન જાય તેને બ્લેક લિસ્ટમાં નાંખી આતંકવાદી ગણવા જોઈએ. નોંધનીય છે કે નવજોતસિંઘ સિદ્ધુએ આમંત્રણ સ્વીકારતા કહ્યું કે આ આમંત્રણ તેમના માટે સન્માનનો વિષય છે તેમજ આ એક ખાનગી આમંત્રણ છે. સિદ્ધુએ આશા વ્યક્ત કરી છે કે ઈમરાનખાનના વડાપ્રધાન બન્યા બાદ બંને દેશોના સંબંંધો સુધરશે.