(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૧
ખાનપાનની જરૂરિયાતોને પૂરી કરવા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે વડાપ્રધાનના નિવાસ સ્થાને રાખેલી ૮ જેટલી ભેંસોની હરાજી કરવા માટે વર્તમાન નવી સરકારની યોજના છે. આર્થિક ભીસમાં સપડાયેલી પાકિસ્તાની સરકારે મોટાપાયે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૮૦ જેટલી વૈભવી કારોની હરાજી પણ સામેલ છે. વડાપ્રધાનના રાજકીય સલાહકાર નઈમ ઉલ હકે કહ્યું કે પીએમ હાઉસમાં રખાયેલી ૮૦ લકઝરીકારોની હરાજી કરી નિકાલ કરી દેવાશે. આ ઉપરાંત ચાર વધારાના હેલિકોપ્ટરોની પણ હરાજી કરાશે. જે નકામા પડી રહ્યા છે. ભેંસોની ખરીદી માટે ખરીદદારોને તૈયાર રહેવા વરિષ્ઠ પાર્ટી નેતાએ જણાવ્યું છે. ૧૭ સપ્ટેમ્બરે ભેંસો અને કારો તેમજ હેલિકોપ્ટરોની હરાજી કરાશે. ભ્રષ્ટાચારના કેસમાં શરીફ ૧૦ વર્ષનો જેલવાસ વેઠી રહ્યા છે. સોમવારે ખાને કહ્યું કે વિદેશી સહાય લેવાના બદલે દેશની પડતર બિનજરૂરી મિલકતોનો નિકાલ કરી આવક ઊભી કરાશે. વડાપ્રધાને કહ્યું કે સરકારની શહેરી માલિકીની જમીનની કિંમત ૩૦૦ બિલિયન છે. જ્યારે પાકિસ્તાન રોજ પ બિલિયન વ્યાજ ચૂકવે છે.