(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને સોમવારે આર્થિક નુકસાનને ટાંકી કોરોના વાયરસ લોકડાઉન દૂર કરવાના તેમની સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. વધતા જતા કેસો અને મૃત્યુઓ વચ્ચે ઈમરાન ખાને લોકોને વાયરસ સાથે જીવવાની અપીલ કરી હતી. નોંધનીય છે કે આર્થિક નુકસાનને ટાળવા માટે પાકિસ્તાને લોકડાઉનના લગભગ બધા પગલાઓને પાછા ખેંચી લીધા છે. પાકિસ્તાને પ્રવાસન ઉદ્યોગ શરૂ કરવા પણ મંજૂરી આપી દીધી છે. પરંતુ સિનેમા થિયેટરો અને શાળાઓ બંધ રહેશે. પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૭ર,૧૬૦ કેસો નોંધાયા છે અને ૧,પ૪૩ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈમરાન ખાને એક ટીવી સંબોધનમાં કહ્યું હતું કે દેશને લોકડાઉન દરમ્યાન થઈ રહેલું નુકસાન પરવડી શકે તેમ નથી. તેમણે પાકિસ્તાનમાં ગરીબી રેખા નીચે જીવતા પ૦ મિલિયન લોકોનો અને રપ મિલિયન જેટલા દૈનિક મજૂરોની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખાને કહ્યું હતું કે તેમની સરકારે ગરીબોને રોકડ મદદ કરી હતી. જે હવે આટલા મોટાપાયે ચાલુ રાખવી સંભવ નથી. ખાને કહ્યું હતું કે આપણી સ્થિતિ એવી નથી કે આપણે તેમને પૈસા આપતા રહીએ. આપણે તેમને કેટલાક સમય સુધી પૈસા આપીશું. ખાને લોકોને જવાબદારીપૂર્વક વર્તન કરવાની અપીલ કરતાં ચેતવણી આપી હતી કે આ વાયરસ હજી વધુ ફેલાશે. મારે દુઃખ સાથે કહેવું પડે છે કે હજી વધુ લોકો જીવ ગુમાવશે પરંતુ જો લોકો કાળજી રાખશે તો તેઓ વાયરસ સાથે જીવી શકે છે.