(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૬
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ખેડાવાલાના પરિવારના પાંચ સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બીજીબાજુ ખેડાવાલાની સાથે મુખ્યમંત્રી સાથેની મિટીંગમાં ગાંધીનગર ગયેલા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે અલ્લાહનો આભાર માન્યો છે.
બે દિવસ પહેલા ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવના કારણે દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ તંત્રઅખે તેમના પરિવારના સભ્યો અને સંપર્કમાં આવનાર તમામ લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી તેમના નમૂના લીધા હતા જે પૈકી ખેડાવાલાના પરિવારના પાંચ સભયોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર ચિંતામાં મૂકાઈ ગયો છે. બીજી બાજુ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કે જેઓ ગઈકાલથી જ હોમ ક્વોરન્ટાઈન થયા છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમણે અલ્લાહનો પાડ માની જણાવ્યું છે કે તમામ શુભેચ્છાઓની દુઆ અને પ્રાર્થનાથી હું સ્વસ્થ છું. મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉપરાંત મારા સાથી ઈમરાન ખેડાવાલા, બદરૂદ્દીન શેખ અને તેમના કુટુંબીજનો કોંગ્રેસના કાર્યકર્તાઓ નરેશ ચોરસિયા, હિતેશપંચાલ, પિયુસ પઢિયાર સહિત ગુજરાતના તમામ લોકો કે જેઓ કોરોના પોઝિટિવ છે તેમને અલ્લાહ વહેલામાં વહેલી તકે સાજા કરે તેવી હું દુઆ કરૂં છું.