(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૨
શહેરના સીંધવાઇ માતા રોડ પર આવેલ સરદાર કોલોની ખાતે બની રહેલી નવી ઇમારત પરથી આજે એક કિશોર પટકાતાં તેનું કરૂણ મોત નીપજ્યું હતું. ચાર કલાક સુધી પોલીસ હોસ્પીટલમાં ન પહોંચતા હોસ્પીટલ સંચાલકોએ કિશોરનો મૃતદેહ તેના પરિવારને ન સોંપતા મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ ભભુકી ઉઠયો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર સીંધવાઇ માતા રોડ પર આવેલી સરદાર કોલોનીમાં રહેતો તથા લીટલ ફલાવર સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતો ૧૫ વર્ષીય મલ્કિતસીંગ પ્રિતમસીંગ પંજાબી આજે બપોરે ઘર નજીક નવી બંધાઇ રહેલી બિલ્ડીંગની ટેરેસ પર ગયો હતો. અકસ્માતે મલ્કિતસીંગ બિલ્ડીંગ પરથી નીચે પટકાતાં તેને માથાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. મલ્કિતને તાત્કાલીક નજીકના ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. મલ્કિતસીંગના મોત બાદ ચાર કલાક સુધી મકરપુરા પોલીસ હોસ્પીટલ નહીં પહોંચતા હોસ્પીટલ સંચાલકોએ પોલીસનેજ મૃતદેહ સોંપાશે તેમ જણાવી મૃતકના પરિવારને મૃતદેહ ન સોંપતા પોલીસની લાપરવાહી સામે મૃતક કિશોરના પરિવારજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો હતો.