(એજન્સી) તા.ર૪
મેરિલેન્ડમાં આયોજિત કન્ઝર્વેટિવ પોલિટિકલ એકશન કોન્ફરન્સમાં અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા ભાષણમાં ‘ધ સ્નેક’ નામની એક કવિતા વાંચી હતી. આ કવિતાને અમેરિકન ગાયક અલવિલ્સન દ્વારા લખવામાં આવી હતી અને તેમણે આ કવિતાનું ગીત સ્વરૂપે રેકોર્ડિંગ પણ કર્યું હતું જેને ૧૯૬૯માં રિલીઝ કરવામાં આવ્યું હતું.
આ કવિતામાં એક મહિલાનો ઉલ્લેખ છે જે ઠંડીથી ઠરી ગયેલા એક સાપ પર દયા બતાવી તેને પોતાના ઘરે લઈ જાય છે. આ સાપ મહિલાને અત્યંત ગંભીર સ્થિતિમાં રસ્તા પરથી મળે છે. આ સાપ મહિલાને વિનંતી કરે છે હે દયાળુ સ્ત્રી મને તારા ઘરમાં લઈ જા. આ મહિલા સાપને તેના ઘરે લઈ જઈ તેની દેખભાળ કરે છે. પરંતુ આ સાપ સાજો થઈને તેની તરફ દયા બતાવનારી મહિલાને ડંખ મારી દે છે. જ્યારે તે મહિલા સાપને પૂછે છે કે શા માટે મને ડંખ મારી મૃત્યુ તરફ ધકેલી દીધી ? ત્યારે સાપ જવાબ આપે છે. “ચૂપ રહે મુર્ખ સ્ત્રી, તું મને ઘરમાં લાવી તે પહેલાંથી જ તું સારી રીતે જાણતી હતી કે હું એક સાપ છું.” આ કવિતા પઠનના અંતમાં ટ્રમ્પે શ્રોતાઓને કહ્યું કે આપણે આપણા દેશ સાથે પણ આવું જ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં જ ટ્રમ્પે અન્ય દેશોમાંથી અમેરિકામાં આવતા લોકો માટે અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના લીધે તે મીડિયાના કવરેજનું કેન્દ્ર બન્યા હતા. કેટલાક લોકોએ તેમના પર વંશીય ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.
આ કવિતાના માધ્યમથી ટ્રમ્પે અમેરિકામાં આવતા અન્ય દેશોના નાગરિકોને સાપની સાથે સરખાવ્યા છે. ટ્રમ્પના ચૂંટણી પ્રચાર દરમિયાન પણ આ ગીત તેમનું પ્રિય હતું. ગયા વર્ષે અમેરિકન પ્રમુખ તરીકે ૧૦૦ દિવસની પૂરા કર્યા હોવાના પ્રસંગ નિમિત્તે પણ તેમણે આ ગીતનું વાંચન કર્યું હતું. પેન્સિલવેનિયાના હેરિસબર્ગમાં આયોજિત રેલીમાં ટ્રમ્પે આ ગીત હોમલેન્ડ સિક્યુરિટીના વડા અને અન્ય એન્ટી-ઈમિગ્રેશન એજન્સીઓને સમર્પિત કર્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે આ ગીતને ઘણા સમય પહેલાં અલવિલ્સન દ્વારા લખવામાં આવ્યું હતું અને હું વિચારું છું કે આ ગીત આપણી સરહદો અને બહારથી આવતા લોકો સાથે સંબંધિત છે. ગાયક અલ-વિલ્સન જેમનું ર૦૦૮માં અવસાન થયું હતું તેમના કુટુંબીજનો ઈચ્છે છે કે ટ્રમ્પે તેમની રેલીઓમાં આ ગીતનો ઉપયોગ કરવો જોઈએ નહીં.