(એજન્સી) મુંબઈ, તા.૨૯
દિગ્ગજ અભિનેતા ઈરફાનખાનના નિધન અંગે બોલિવૂડના બાદશાહ શાહરૂખખાને લખ્યું કે, સમાચારથી ઘણો આઘાત લાગ્યો છે તે અમારા સમયના શ્રેષ્ઠ અભિનેતામાંથી એક હતો. ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખે કહ્યું કે, મારો મિત્ર પ્રેરણાદાયક હતો અને આ સમયનો શ્રેષ્ઠ અભિનેતા હતો, અલ્લાહ ઈરફાનભાઈની બક્ષીશ કરે. અમારા જીવનના ભાગ તરીકે તમે હંમેશાં યાદ રહેશો. શાહરૂખ અને ઈરફાને બિલ્લુ બાર્બર ફિલ્મમાં એક સાથે કામ કર્યું હતું. બ્રિટનમાં ઈરફાન જ્યારે કેન્સરની સારવાર લઈ રહ્યો હતો ત્યારે શાહરૂખખાને પોતાના ફ્લેટની ચાવી તેને આપી દીધી હતી. બીજી તરફ સલમાનખાને પણ લખ્યું કે, ઈરફાનના નિધનની ફિલ્મ ઉદ્યોગને સૌથી મોટો ફટકો, તેના પ્રશંસકો, અમે બધા અને તેના પરિવાર માટે મોટો આંચકો, મારૂ હૃદય તેના પરિવાર સાથે છે. અલ્લાહ તેમને હિંમત આપે.
ઈરફાનની છેલ્લી ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં સાથે કામ કરનારી કરીના કપૂરે લખ્યું કે, ખરેખર સન્માનજનક અભિનેતા આજે વિદાય પામ્યો છે. અર્જુન કપૂરે લખ્યું કે, ત્રણ ફિલ્મો કરી પણ પહેલી ફિલ્મના પહેલા દિવસથી જ હું તમારા માટે ઘણો જ માન ધરાવું છું. હું તમારી સાથે હંમેશાં રહેવા માંગતો હતો. અમને આ સ્થાને પહોંચાડવા માટે તમારો આભાર. નોંધનીય છે કે, ર૦૧૮માં ઈરફાનખાનને કેન્સરના લક્ષણો દેખાતા લંડનમાં સારવાર લેવી પડી હતી.