(એજન્સી) તા.૨૯
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઈરફાનખાનનું નિધન થતું બોલિવૂડ જગત સહિત દેશભરના લોકો શોકમગ્ન થઇ ચૂક્યા છે. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા ટિ્‌વટ કરી હતી કે, આ દુઃખની ઘડીમાં પીએમ મોદીએ ઇરફાનખાનને યાદ કરતા ટિ્‌વટ કર્યું છે, જેમાં તેમણે અભિનેતાની પ્રશંસા કરતા શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
તેમણે લખ્યું છે કે, ઇરફાનખાનનું નિધન સિનેમા અને રંગમંચની દુનિયા માટે એક ક્ષતિ છે. તેમને વિભિન્ન માધ્યમોમાં બહુમુખી પ્રદર્શન માટે યાદ કરવામાં આવશે. મારા વિચાર તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકોની સાથે છે. તેમની આત્માને શાંતિ મળે. બીજી બાજુ તો અમિત શાહે ટ્‌વીટર પર લખ્યું છે, ઇરફાનખાનના નિધનના સમાચારથી બધા દુઃખી છે. તેઓ એક બહુમુખી અભિનેતા હતા. જેની કળાએ વૈશ્વિક ખ્યાતી અને ઓળખ મેળવી હતી. ઇરફાન આપણા ફિલ્મ જગત માટે એક સંપત્તિ હતા. રાષ્ટ્રએ આજે એક અસાધારણ અભિનેતા અને વિનમ્ર વ્યક્તિને ગુમાવી દીધા છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના છે.