(એજન્સી) તા.૧૮
ઈરાકી સરકારે બુધવારે ર૧ ગુમ થયેલા વ્યકિતઓના અવશેષો બગદાદમાં સ્થિત કુવૈત દૂતાવાસને સુપરત કર્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ૧૯૯૦ના ઈરાકી આક્રમણના સમયના કુવૈતી બંધકો હતા. આ અવશેષો સોંપવાની પ્રક્રિયા બગદાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક થઈ હતી. જયાં ઈરાકી સંરક્ષણ મંત્રાલયના પ્રતિનિધિઓ, રેડક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ (આઈસીઆરસી)ના અને સંયુકત રાષ્ટ્ર આસિસ્ટન્સ મિશન ફોર ઈરાક (યુએનએએમઆઈ)ના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કુવૈત ન્યૂઝ એજન્સીએ ઈરાકમાં સ્થિત કુવૈતી દૂતાવાસના પ્રભારી મોહમ્મદ અલ-વુકય્યનનું અવતરણ ટાંકયું જેમાં તેમણે કહ્યું કે અવશેષોને તેમને સોંપવા, તે પ્રયત્નોનો ભાગ છે જેનો સંબંધ કુવૈતના ગુમ થયેલા કેદીઓની ફાઈલ સાથે છે. અલ-વુકય્યને વિગતવાર સમજાવ્યું કે આ ફાઈલનું નિરીક્ષણ બે આંતરરાષ્ટ્રીય સમિતિ દ્વારા કરાઈ રહ્યું છે જેના વડા આઈસીઆરસીના સભ્યો છે, જેમાં કુવૈત, ઈરાક, સઉદી, યુએસ, યુકે અને ફ્રાન્સ જેવા સભ્યો દેશ સામેલ છે અને યુએનએએમઆઈ એક અવલોકન કરનાર નિરીક્ષક તરીકે છે. તેમણે વધુમાં ઉમેરતા કહ્યું કે પ્રાથમિક સંકેતો અનુસાર તેમનું માનવું છે કે આ અવશેષો કુવૈતી બંધકો સંબંધી છે અને તે ગુમ થયેલી વ્યકિતઓના છે જેમને દક્ષિણ ઈરાકમાં સમાવાહ રણપ્રદેશમાંથી પ્રાપ્ત કરાયા હતા. કુવૈતના ગુનાહિત પુરાવાના સામાન્ય વિભાગ દ્વારા અવશેષોના ડીએનએ પરીક્ષણો હાથ ધરાશે જેથી કુવૈતી અને વિદેશી બંધકો અને ગુમ થયેલી વ્યકિતઓના ડેટાબેઝ સાથે તે મેળ ખાય છે કે, નહીં તેની તપાસ થઈ શકે.