(એજન્સી) બગદાદ, તા.૨૨
ઈરાકે પોતાના ચલણમાં ૨૦૦૩ના વર્ષ પછી સૌથી મોટું અવમૂલ્યન કર્યું છે. એમની કેન્દ્રીય બેન્કે શનિવારે જાહેરાત કરી હતી કે અમે પોતાના ચલણનું ૨૨ ટકા અવમૂલ્યન કરી રહ્યા છીએ. તેલના ભાવો ઘટવાથી અમે ઘેરી નાણાકીય તરલતાની કટોકટીનો સામનો કરી રહ્યા છીએ. જેના લીધે આ અણગમતા પગલા લેવા પડે છે. નાણાકીય કટોકટીના લીધે દેશના લોકોમાં રોષ પણ દેખાઈ રહ્યો છે. સમાચારો મુજબ આ જાહેરાત પહેલા લોકોના રોષ અને વિરોધોનો સામનો કરવા બગદાદની કેન્દ્રીય બેંકની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ૨૦૨૧ના બજેટની જોગવાઈઓ લીક થઇ ગઈ હતી. જેમાં જણાવાયું હતું કે સરકાર ચલણમાં અવમૂલ્યન કરશે, જેના લીધે લોકો શેરીઓમાં ઉતરી આવ્યા હતા. નવા દરો જૂના દરોની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. દાયકાઓ પછી ઈરાકે પહેલી વખત પોતાના વિનિમય દરોમાં આટલો મોટો ઘટાડો કર્યો છે. કેન્દ્રીય બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમેરિકા ડોલરની સરખામણીમાં નાણા મંત્રાલય ૧૪૫૦ ઈરાકી ડોલરના ભાવે ખરીદશે. જાહેર જનતાને ૧૪૭૦ ઈરાકી ડોલરના દરે આપવામાં આવશે અને બેંકોને ૧૪૬૦ ઈરાકી ડોલરના દરે અપાશે. આ વર્ષની શરૂઆતથી તેલના ભાવો સતત ઘટતા ઈરાક અભૂત પૂર્વ નાણાકીય કટોકટીમાં મુકાઇ ગયું છે. એમને બેંકના અનામત ભંડોળમાંથી ડોલર ઉછીના લેવા પડશે. ઈરાકની સરકારને પ્રતિ મહિને પગારો અને પેન્શનો ચુકવવા ૫ બિલિયન અમેરિકા ડોલરની જરૂર હોય છે. ઈરાકના બજેટમાં આવકનો મોટો ફાળો તેલની નિકાસમાંથી મળે છે જે લગભગ ૯૦ ટકા છે. વિશ્વબેંક ઈરાકમાં ગરીબી વધવાની ચેતવણી આપી રહી છે. તેલની નિકાસ ઉપર જ નિર્ભર રહેનાર દેશમાં અર્થતંત્ર સંકોચાયું છે. ચલણનું અવમૂલ્યન થવાથી મોંઘવારી ખૂબ જ વધી જશે. ઈરાક ખાદ્ય ખોરાકની મોટા પાયે આયત કરે છે. જે આયતો મોંઘી થવાની છે.