(એજન્સી) એનાદોલુ, તા.૨૪
ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ- કધીમીએ પાંચ વરિષ્ઠ સુરક્ષા વડાઓને બરતરફ કરવાની જાહેરાત કરી હતી. એમણે કહ્યું કે, તેઓ હવે પોતે આ પ્રકારના પડકારોનો સામનો કરવા દેશમાં ગુપ્તચર એજન્સીઓ ઉપર પોતે નિગરાની રાખશે. એમણે રક્ષામંત્રી અને ગૃહમંત્રી અને સુરક્ષા વડાઓ સાથે ચર્ચા કર્યા પછી આ જાહેરાત કરી હતી. આ જાહેરાત બગદાદના પ્રખ્યાત માર્કેટમાં થયેલ બે બોમ્બમારાની ઘટનાઓ પછી કરી હતી જેમાં ૩૨ લોકોનાં મોત થયા હતા અને ૧૧૦ લોકો ઘવાયા હતા.
અલ-કધીમીએ એક નિવેદનમાં જાહેરાત કરી હતી કે જે અધિકારીઓ નાગરિકોના રક્ષણ માટે સક્ષમ નથી એમને એમના હોદ્દાઓથી ઉતારવા જ જોઈએ.
એમણે જણાવ્યું કે બોમ્બમારાની ઘટના વચનભંગ છે જે અમે ફરીથી ચલાવી લઈશું નહિ. અમે લોકોને સુરક્ષાની ખાતરી આપીએ છીએ અને આ વચનભંગ દર્શાવે છે કે એમાં રહેલ ખામીઓને તાત્કાલિક દૂર કરવી જોઈએ.
વડાપ્રધાને કહ્યું કે અમોએ સુરક્ષા અને લશ્કરી માળખામાં ઘણા ફેરફારો કર્યા છે અને એક સંયુક્ત અને અસરકારક સુરક્ષા યોજના બનાવી રહ્યા છીએ.
એનાદોલુએ રિપોર્ટ આપ્યો હતો કે આ હુમલાની જવાબદારી દાઈશ સંગઠને લીધી છે અને હુમલાખોરોના નામો પણ જણાવ્યા હતા. જેમાં અલ-અન્સારી અને મુહમ્મદ અરેફ અલ-મુજાહિદ હતા. જોકે વધુ વિગતો આપી નથી.