(એજન્સી) તહેરાન, તા.ર૦
ગયા રવિવારે ઈરાનની એસીમાન એરલાઈન્સનું વિમાન તહેરાનથી ઉડ્ડયન ભર્યા બાદ ગુમ થયા પછી પ૦ મિનિટ પછી પહાડો પર તૂટી પડ્યું હતું. જેમાં કોઈ પણ વ્યક્તિ બચી શક્યો નથી. વિમાન તહેરાનથી યાસુઝ શહેર જઈ રહ્યું હતું. વિમાનનો કાટમાળ શોધવામાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી. ખરાબ વાતાવરણથી બચાવ અને રાહત કામગીરી મોડી શરૂ થઈ હતી. જેથી વિમાનમાં સવાર લોકોના પરિવારજનોએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોપ મૂક્યો હતો કે દેશમાં દશકા જૂના ભંગાર વિમાનો સેવામાં છે. પ્રતિબંધોના કારણે આવી સ્થિતિ છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન એટીઆર-૭ર ર૪ વર્ષ જૂનું વિમાન હતું. વિમાની સુરક્ષા એજન્સીના કહેવા મુજબ આ વિમાન ૩ માસ પહેલાં અકસ્માતનો ભોગ બનતો રહી ગયું હતું. જેને અગાઉ ૬ વર્ષ સુધી મૂકી રખાયું હતું. સેનાના ડ્રોન દ્વારા વિમાનનો કાટમાળ શોધી કઢાયો હતો. તેમજ રિવોલ્યુશનરી ગાર્ડના પ્રવક્તા રમઝાન શરીફે કહ્યું છે. ડ્રોન દ્વારા કાટમાળ શોધ્યા બાદ તે સ્થળે બે હેલિકોપ્ટર મોકલાયા હતા. ત્યારબાદ વિમાનનો કાટમાળ અને મૃતદેહો મળ્યા હતા. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં પહેલાં ૩૦ મીટર નીચે આવી જઈ પહાડની ટોચ સાથે અથડાયું હતું. રાહત અને બચાવ માટે મોકલેલ હેલિકોપ્ટર ઉતરાણ ન કરી શકતા હજુ મૃતદેહોનો કબજો લેવાયો નથી. સોમવારે ૧૦૦થી વધુ પીડિત પરિવારજનોએ ઈરાનની સરકારી કચેરી સામે દેખાવો યોજ્યા હતા. પ્રદર્શનકર્તાઓએ ઉડ્ડયનમંત્રી અબ્બાસ અખોઉન્ડીને નિશાન બનાવ્યા હતા. ઈરાનમાં છેલ્લા દાયકામાં ઘણી વિમાન હોનારતો સર્જાઈ છે. તહેરાને આરોપ મૂક્યો છે કે અમેરિકી પ્રતિબંધો તેને નવા વિમાનો અને તેના સ્પેરપાર્ટ ખરીદવા સામે રોકી રહ્યા છે. પરમાણું એનર્જી મુદ્દે અમેરિકાના પ્રતિબંધોથી ઈરાનમાં જૂના વિમાનો દેશમાં સેવામાં કાર્યરત છે.