(એજન્સી) તા.૮
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ શનિવારે ઈરાનના મિત્રોને યુએસ સામે ઊભા ન થવા અને કોરોના વાયરસ રોગચાળા દરમ્યાન યુએસ પ્રતિબંધોની અવગણના કરવા બદલ દોષિત ઠેરવ્યા. રોઈટર્સનો અહેવાલ ૩,૮૦,૦૦૦થી વધુ નોંધાયેલા કેસો અને કોવિડ-૧૯થી રર,૦૦૦થી વધુ લોકોનાં મોત સાથે ઈરાન મધ્યપૂર્વ વિસ્તારમાં રોગચાળા દ્વારા સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાંથી એક છે. રૂહાનીએ રાજ્યના ટેલિવિઝન પર લાઈવ બ્રોડકાસ્ટ કરાયેલી ટિપ્પણીમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં જ્યારથી કોવિડનું અમારા દેશમાં આગમન થયું છે. કોઈ અમારી મદદ કરવા આવ્યું ન હતું. જો યુએસની અંદર થોડી પણ માનવતા અથવા મગજ હોત તો તેણે કોરોના વાયરસને કારણે એક વર્ષ માટે પ્રતિબંધો હટાવી દેવાની રજૂઆત કરી હોત. પરંતુ યુએસ તે વસ્તુઓ કરતા વધુ નિર્દય અને દુષ્ટ છે. તેમણે ઉમેરતા કહ્યું કે, તેણે વધુ નવા પ્રતિબંધો મૂકયા અને કોરોના વાયરસ પછીના છેલ્લા સાત મહિનાઓમાં અમારી ઉપર દબાણ વધારી દીધું. તે જ સમયે એક પણ મૈત્રીપૂર્ણ દેશે અમને કહ્યું નહીં કે કોરોના વાયરસ અને કઠિનતાના આ સમયમાં અને માનવતા ખાતર અમે અમેરિકા સામે ઊભા રહીશું અને યુએસની બદલો લેવાની ધમકીઓ હોવા છતાં અમે ઈરાન સાથે વ્યવસાય કરીશું. માર્ચ મહિનામાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનાઈએ ઈરાનને રોગચાળા સામેની લડતમાં મદદ કરવાની યુએસની ઓફરને નકારી કાઢી હતી અને યુએસ નેતાઓને ઢોંગી, દંભી અને જૂઠા ગણાવ્યા હતા. ર૦૧પમાં થયેલા ઈરાન પરમાણુ કરારમાંથી ર૦૧૯માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખસી ગયા પછી આ પ્રતિબંધો ઈરાની મહેસૂલને ઘટાડવાના યુએસના પ્રયત્નોનો એક ભાગ છે. ખોરાક, દવાઓ અને અન્ય માનવતાવાદી પુરવઠાને આ પ્રતિબંધોથી બાકાત કરાયા છે પરંતુ વેપાર પ્રતિબંધોએ અનેક વિદેશી બેંકોને ઈરાન સાથે વ્યવસાય કરતા અટકાવ્યા છે. જેમાં માનવતાવાદી સોદાઓને નાણાકીય ધિરાણ આપવું અને દવાઓની અછતને પૂરૂં કરવું સામેલ છે.