(એજન્સી) તા.૧૦
ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા સૈયદ અલી ખામેનેઈએ હિન્દી ભાષામાં એક ટ્‌વીટર એકાઉન્ટ બનાવ્યું છે. આ એકાઉન્ટનું નામ પણ હિન્દીમાં છે અને તેનાથી પણ હિન્દી ભાષામાં જ ટ્‌વીટ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ એકાઉન્ટમાંથી બે ટ્‌વીટ કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ ટ્‌વીટ હતું અલ્લાહના નામથી, જે ખૂબ જ દયાળુ છે. ખામેનેઈએ હિન્દીની સાથે-સાથે અન્ય ભાષાઓમાં પણ ટ્‌વીટર એકાઉન્ટ બનાવ્યા છે. તેમાં ફારસી, અરબી, ઉર્દૂ, ફ્રેન્ચ, સ્પેનિશ, રશિયન અને અંગ્રેજી ભાષાઓ સામેલ છે. જો કે, તેમના હિન્દી એકાઉન્ટથી અત્યાર સુધી કોઈ ભારતીય નેતાને ફોલો કરવામાં આવ્યા નથી. પરંતુ જુદી-જુદી ભાષાઓના પોતાના જ એકાઉન્ટને ફોલો કરવામાં આવ્યા છે. ખામેનેઈનું હિન્દી ટ્‌વીટર એકાઉન્ટ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારતની સાથે તેમના સંબંધ ઘણા જૂના અને મહત્ત્વપૂર્ણ રહ્યા છે. અમેરિકા દ્વારા તૈયાર પ્રતિબંધ લગાવવા છતાં બંને દેશોના સંબંધો ચાબહાર પોર્ટ અને ચાબહાર જહેદાન રેલવે લિંક યોજનાએ નવી શરૂઆત કરી છે.