(એજન્સી) તા.ર૧
આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ઈરાનમાં પાછલા ર૪ કલાકમાં ૧૩ હજારથી વધુ લોકો કોરોનાથી પીડિત થયા જ્યારે ૪૭૯ લોકોનાં મોત થયા છે. ડૉક્ટર સીમા સાદાત લારીએ શુક્રવારે દેશમાં કોરોનાના વર્તમાન આંકડા બતાવવા જણાવ્યું કે, પાછલા ર૪ કલાકમાં ૧૩,ર૬૦ નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ૩૦૪૪ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હવે ઈરાનમાં કુલ કેસ વધીને ૮ લાખ ર૮ હજાર ૩૭૭ થઈ ગયા છે. તેમજ પ,૮૯,૦રપ લોકો સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે પાછલા ર૪ કલાકમાં ૪૭૯ લોકોનાં મોત થતાં મૃતકોની સંખ્યા વધીને ૪૩,૮૯૬ થઈ ગઈ છે. આ દરમિયાન સંપૂર્ણ વિશ્વમાં કોરોનાના દર્દીની સંખ્યા પાંચ કરોડ સિત્તેર લાખથી વધુ થઈ ચૂકી છે. જ્યારે ચાર કરોડ લોકો કોરોનાને હરાવી ચૂકયા છે.